લુખ્ખા તત્વોના આતંકના LIVE દૃશ્યો:રાજકોટમાં જાહેરમાં ગત રાત્રે 4થી 5 શખસે યુવાનને લાકડીથી માર માર્યો, ઘટના CCTVમાં કેદ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ પર લઈ જઈ યુવકને લાકડીથી માર માર્યો. - Divya Bhaskar
રોડ પર લઈ જઈ યુવકને લાકડીથી માર માર્યો.
  • કાઠલો પકડી એક શખસ રોડ પર લઈ જઇ યુવકને તમાચા ઝીંક્યા

રાજકોટના ધરમનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. એક યુવાનને લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાથી આ વિસ્તારના લોકામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટમાં અવારનવાર નજીવી બાબતમાં મામલો મારામારી સુધી પહોંચી જતો હોવાથી શહેરના કાયદા અને વ્યવસ્થા પર લોકોએ સવાલ ઉઠાવ્યો છે.

યુવક પર લુખ્ખા તત્વોએ લાકડી વરસાવી
સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ એક યુવાન બે વ્યક્તિ સાથે દુકાનની બાજુમાં ઉભો છે. ત્યારે ત્રણ શખસ લાકડી સાથે ધસી આવે છે અને યુવાનને લાકડીથી માર મારવા લાગે છે. બાદમાં એક શખસ યુવકનો કાઠલો પકડી રોડ પર લઇ જાય છે અને તમાચા ઝીંકવા માંડે છે. પાછળ લાકડી સાથે ત્રણ-ચાર શખસ આવે છે. આથી યુવક બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ એક શખસ તેને પકડી રાખે છે. બાદમાં યુવક ભાગવા સફળ જતા જીવ બચી જાય છે. જોકે આ અંગે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ આવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે આવનારા દિવસો જ બતાવશે.

યુવાનને લાકડીથી માર માર્યો.
યુવાનને લાકડીથી માર માર્યો.

ગઇકાલે મફતિયાપરામાં બે શખસે મહિલા પર હુમલો કર્યો હતો
રાજકોટના કોઠારિયા રોડ પર ભુતનાથ મંદિર સામે મફતીયાપરામાં રહેતા રૂખીબેન લલ્લુભાઈ તુવરીયા (ઉં.વ.50) ગઇકાલે પોતાના ઘર પાસે હતાં ત્યારે ધસી આવેલા સંજય અને મહિપત નામના શખસે કોઈ કારણથી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા બંન્ને શખસે મહિલાને તેને પાસે રહેલા ધોકાથી ફટકારીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.

યુવાનને બચાવવા લોકો વચ્ચે પડ્યા હતા.
યુવાનને બચાવવા લોકો વચ્ચે પડ્યા હતા.

માર મારનાર ત્રણ શખસની ધરપકડ
સીસીટીવી ફૂટેજ સામે આવ્યાની ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે મીડિયાના અહેવાલ બાદ યુવકને માર મારતા સીસીટીવી ફુટેજમાં દેખાતા પિતા-પુત્ર સહિત ત્રણ શખસની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે સુરા સાટીયા, કાનો સાટીયા અને દીપેશ મારુની ધરપકડ કરી IPC કલમ 323, 504, 114 અને જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી કાનો અગાઉ પણ યુનિવર્સિટી પોલીસના હાથે મારામારીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે.

યુનિવર્સિટી પોલીસે 3 શખસની ધરપકડ કરી.
યુનિવર્સિટી પોલીસે 3 શખસની ધરપકડ કરી.