છેતરપિંડી:રાજકોટમાં 4 દિવસ પહેલા સોની કામની મજૂરીએ રહ્યા, આજે બે બંગાળી કારીગર તિજોરીમાંથી 23 લાખનું સોનુ લઈ ફરાર

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બન્ને આરોપીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
બન્ને આરોપીની ફાઈલ તસવીર.

રાજકોટ શહેરમાં બંગાળી કારીગર સોની વેપારીનું સોનું લઈ નાસી જવાના બનાવ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક બનાવ ગઈકાલે રાત્રિના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. સોની બજારમાં બાલાજી કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા સોની વેપારીને ત્યાં ચાર દિવસ પહેલા જ સોની કામની મજૂરીના કામે રહેલા બન્ને કારીગર દવાખાને જવાના બહાને તેજોરીમાં રાખેલું રૂ.23.40 લાખનું 450 ગ્રામ સોનુ લઈ ભાગી જતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે બન્ને શખસ વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ-જામનગર રોડ પર હુડકો ક્વાટર્સ નં. 83માં રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ગોંડલીયાએ ફરિયાદમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના કુલી પુકુરમાં રહેતા રહેતા સોઈલ રસીતભાઈ અને રાજા ઉર્ફે અમન શેખનું નામ આપતા IPC કલમ 381 અને 114 હેઠળ કાર્યવાહી કરી PI સી.જી. જોશી સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજારની સાંકડી શેરીમાં બાલાજી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ચામુંડા ઓર્નામેન્ટ નામે દુકાન ચલાવી સોની કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું.

બે વેપારીનું 450 ગ્રામ સોનુ તેજોરીમાં રાખ્યું હતું
થોડા દિવસ પહેલા મારા મિત્ર મારે ત્યાં બે બંગાળી યુવાનોને લઈ આવ્યા હતા. જેઓ સોની કામની મજૂરી કામ કરે છે. જેઓ બંને મારે ત્યાં મજૂરી કામ કરવા માગતા હોય આથી તે બન્નેને કામ કરવા અંગે ચાર દિવસથી મારે ત્યાં સોની કામ કરવા રાખ્યા હતા. ત્યારબાદ 23 જુલાઈના રોજ મારે આંગળી પ્રેસમાં આવી ગઈ હોય જેથી મારે ડ્રેસિંગ કરાવવું હોય માટે હું મારા પુત્ર રવિને મારી દુકાને બેસાડી નજીકમાં આવેલા દવાખાને ગયો હતો. તેમજ બે વેપારીનું 450 ગ્રામ સોનુ તેજોરીમાં રાખ્યું હતું. હું દવાખાને હતો ત્યારે આરોપી રાજાએ કોલ કરી જણાવ્યું હતું કે, મને માથું દુ:ખે છે, મારે દવાખાને જવું છે. માટે મેં કહ્યું થોડીવાર ત્યાં રહે મારા પુત્ર રવિને કહું છું કે દવા આપી દેશે.

બન્ને શખસ 450 ગ્રામ સોનુ લઈ ફરાર થયા
થોડીવાર બાદ સોઈલનો કોલ આવ્યો હતો કે, મારે દવાખાને જવું છે. બાદમાં મારો પુત્ર રવિ અમારા કારીગર રાજાને દવાખાને લઈ ગયા બાદ પરત પેશાબ જવાનું બહાનું કાઢી ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં દુકાને પહોંચતા સોઈલ પણ ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં દુકાને જઇ તપાસ કરતા અમારી તેજોરીમાં રાખેલું બંન્ને કારીગરનું 450 ગ્રામ સોનુ કિંમત રૂ.23.40 લાખનું લઈ નાસી ગયા હોવાનું જાણવા મળતા હું અને મારો પુત્ર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરતા PI સી.જી. જોશી સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.