• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 384 Beneficiaries Of Awas Yojana Have Lost Their Homes, Despite Having Paid Installments 4 Years Ago, They Are Still Homeless.

રૂડાની તારીખ પે તારીખ યોજના:રાજકોટમાં આવાસ યોજનાના 384 લાભાર્થી રઝળ્યા, 4 વર્ષ પહેલા હપ્તા ભરી દીધા છતાં આજસુધી ઘરથી વંચિત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂડાના અધિકારીએ અરજદારોને સાંભળ્યા હતા - Divya Bhaskar
રૂડાના અધિકારીએ અરજદારોને સાંભળ્યા હતા

રાજકોટમાં જાણે કે ‘રૂડા’ તંત્રને જાણે કે લોકોને ઘરનું ઘર મળે તેમાં રસ જ ન હોય તેમ અનેક પરિવારોને અત્યારે રઝળવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ખાસ કરીને મુંજકા વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર પાછળ નિર્માણ પામી રહેલી રૂડાની આવાસ યોજના જાણે કે મુહૂર્તમાં શરૂ થઈ હોય તેવી રીતે પૂર્ણ થવાનું નામ જ લઈ રહી ન હોવાથી આવાસધારકોએ ધરપત ગુમાવીને રૂડા કચેરીમાં હોબાળો બોલાવ્યો હતો જેના કારણે અધિકારીઓ બેઠક છોડીને રવાના થવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હજુ સુધી ક્વાર્ટર સોંપવામાં આવ્યું નથી
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા પ્લોટ નં.17 (મુંજકા) કે જે ઈસ્કોન મંદિર પાછળની સાઈટ છે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. 17-2-2017એ આ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો અને ત્યારપછી જે આવાસધારકને ક્વાર્ટર લાગ્યું હતું તેણે 2019માં આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરી દીધા હોવા છતાં હજુ સુધી તેમને ક્વાર્ટર સોંપવામાં આવ્યું નથી. જ્યારે હપ્તા ભરપાઈ કરવામાં આવ્યા ત્યારે લાભાર્થીઓને એવી બાહેંધરી આપવામાં આવી હતી કે તમામને 18 મહિના મતલબ કે દોઢ વર્ષની અંદર આવાસ ફાળવી દેવામાં આવશે પરંતુ એ બાહેંધરીને બીજું દોઢ વર્ષ વીતી ગયું છતાં હજુ સુધી આવાસની સોંપણી કરવામાં આવી નથી. દરમિયાન આવાસ ધારકોને અત્યાર સુધી નર્યા વાયદા જ કરવામાં આવી રહ્યા હોવાને કારણે ફરીવાર તમામ લાભાર્થીઓ કચેરીમાં એકઠા થયા હતા અને અધિકારી સાથે બેઠક કરી હતી.

હવે નવું બહાનું આપવામાં આવ્યું
રૂડાના અધિકારી દાવડા સહિતનાએ અરજદારોને સાંભળ્યા હતા પરંતુ તેમાં કોઈ જ નિષ્કર્ષ નહીં નીકળતાં અધિકારીઓ બેઠક છોડીને રવાના થઈ ગયા હતા. જો કે અરજદારો દ્વારા આવાસ ફાળવણીની ચોકક્સ ફાળવણીની તારીખ મેળવવા માટે મક્કમ હોવાથી ત્યાં જ રહેતાં અધિકારીઓ ફરી બેઠકમાં આવ્યા હતા પરંતુ કોઈ જ ચોક્કસ તારીખ ન આપતાં અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અરજદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી રૂડા દ્વારા અમને વિવિધ બહાનાઓ જ આપવામાં આવ્યા છે ત્યારે હવે એક નવું બહાનું એવું આપવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રિક મીટર ફિટ થઈ ગયા બાદ આવાસની ફાળવણી કરવામાં આવશે ! દોઢ વર્ષ પહેલાં જ તમામ હપ્તા ભરપાઈ કરી દીધા હોવા છતાં અમને ક્વાર્ટર ફાળવવામાં આવ્યું ન હોવાથી 384 લાભાર્થીઓમાંથી મોટાભાગનાએ અત્યારે ભાડે રહેવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...