કૌભાંડનો પર્દાફાશ:રાજકોટમાં ભંગારની રિક્ષા ડુપ્લિકેટ RC બૂકના આધારે વેચતા 3 શખસની ધરપકડ, 31 RC બૂક કબ્જે કરી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક દ્વારા સીઝ કરેલ વાહનો જાહેર હરાજીમાં ખરીદ કરી સ્ક્રેપ કરવાના બદલે વેચી નાખતા હતા
  • મહેસાણાના​​​​​​​ શખ્સ પાસે ત્રિપુટી 3000માં RC બુક બનાવડાવતી’તી

રાજકોટના મોરબી રોડ પર આવેલ ભંગારના ડેલામાંથી ડૂપ્લીકેટ RC બૂક બનાવી બેંક દ્વારા સીઝ કરીને હરરાજી મારફતે વેચવામાં આવેલી ઓટો રીક્ષા બારોબાર વેચી નાખવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ કારસ્‍તાનને ઝડપી લઇ રામનાથ પરા, ગરૂડની ગરબી પાસે રહેથા અમીન ગફારભાઇ આકબાણી અને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા આરીફ હબીબભાઇ દોઢયાને મોરબી રોડ પર આવેલા રીક્ષા લે-વેચના ડેલામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઇનાન્‍સ કંપનીના સીઝ કરેલા વાહનો ખરીદ્યા
રાજકોટ ક્રાઇમ બ્રાંચે આઇ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471, 472, અને 114 મુજબ છેંતરપીંડી કરી બોગસ દસ્‍તાજેજો ઉભા કરવા બદલ ગુન્‍હો નોંધ્‍યો છે. અમીન આકબાણી અને આરીફ દોઢયાની ધરપકડ કરવામાં આવી છે જ્‍યારે બોગસRC બૂક સહિતના દસ્‍તાવેજો ઉભા કરનાર બાબાભાઇ ઉર્ફે પ્રદીપ મોહનભાઇ ઝાલાની શોધખોળ આદરી છે. ફાઇનાન્‍સ કંપનીના સીઝ કરેલા વાહનો ખરીદ્યા હતા જેની 22 ઓરીજનલ RC બૂક જ્‍યારે બોગસ ઉભી કરાયેલી 9 RC બૂક મોરબી રોડ પરના રીક્ષા લે-વેચના ડેલામાંથી કબ્‍જે કરવામાં આવી છે. શહેરના મોરબી રોડ પરના ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાસેના ડેલામાં દરોડો પાડવામાં આવી આ કૌભાંડ ઝડપી લેવાયું હતું.

કંપની 'નો ડયુ' સર્ટીફીકેટ આપે છે
પકડાયેલ આરોપીઓ ફાઇનાન્‍સ કંપીનના સીઝ કરેલા વાહનો ઓછી બોલી લગાવી ખરીદી કરતા હતા. બાદ જો આ વાહનોના ઓરીજનલ દસ્‍તાવેજો વાહન માલિકો પાસેથી મેળવે તો તેમાં ચડતા હપ્‍તા સહિતની વિગતો બહાર આવી જાય અને આવા દસ્‍તાવેજો મેળવ્‍યા વગર ભંગારમાં વાહન તોડી નાખવાની શરતે ફાઇનાન્‍સ કંપની પાસેથી લઇ લે તો કંપની ‘નો ડયુ' સર્ટીફીકેટ આપતી હોય છે.

બોગસ RC બૂક બનાવી વેચવાનું શરુ કર્યું
આ ખરીદારો વાહનો સ્‍ક્રેપમાં જવા દે તો નુકસાનીમાં જાય અને ઓરીજનલ દસ્‍તાવેજો મેળવી વેચવા જાય તો પણ 'સોના કરતા ઘડામણ મોંઘુ ' જેવો ઘાટ સર્જાય. બંને બાબતોમાં નુકસાનીમાં જવાય. માટે બોગસ RC બૂક બનાવી વહેંચે તો વચ્‍ચેથી કમાણી તારવી શકાય માટે આ ગુનો આચાર્યનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ માટે તેમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવા આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બાદમાં વિશેષ પૂછપરછ કરવા ત્રણેય આરોપીને મંગળવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે રિમાન્ડની માગણી મંજૂર કરી આગામી બે દિવસ પોલીસ હવાલે કરવાનો હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા ત્રિપુટી હરાજીમાંથી વાહનો ખરીદ કર્યા બાદ તે વાહનની બોગસ આરસી બુક બનાવવા માટે બાબો ઉર્ફે પ્રદીપ ઝાલાને વાત કરતા હતા. બાબો બોગસ આરસી બુક બનાવી દેવાના અવેજમાં અમીન અને આરિફ પાસેથી રૂ.4 હજાર લેતો હતો.

બાદમાં તે બોગસ આરસી બુક મહેસાણાના જેન્તી પ્રજાપતિ નામના શખ્સ પાસે રૂપિયા 3 હજારમાં બનાવડાવતો હતો. બાબો ઉર્ફે પ્રદીપ એક હજાર કમિશન લેતો હતો. બોગસ આરસી બુક બનાવનારનું નામ ખૂલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આરિફ અને અમીન પાસેથી કબજે કરેલી સાચી-ખોટી આરસી બુકની સત્ય હકીકત તપાસવા માટે આરટીઓની મદદ લીધી છે.