મહિલાઓ માટે રાજ્ય સરકારની સૌથી મહત્વની સેવા ગણાતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા દીપાવલી પર્વે રંગબેરંગી રંગોળીથી જાગૃતિનો મેસેજ આપ્યો છે. આ ટીમ સરકારના માર્ગદર્શન હેઠળ મહિલાઓની સમસ્યાઓને લઈ સતત કાર્યરત હોવાની પ્રતીતિ કરાવે છે. 181 અભયમ ટીમે ‘અંધશ્રદ્ધા નિર્મૂલન’, ‘બેટી બચાવો’, ‘મહિલા અત્યાચારો રોકો’ની કલાત્મક રંગોળીઓ બનાવી છે.
રંગોળીઓએ આકર્ષણ જમાવ્યું
રાજ્ય સરકારની 181 મહિલા હેલ્પલાઈન સેવા મહિલાઓની સુરક્ષા અને તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે રાત-દિવસ 24×7 કામગીરી કરે છે. આ દિવાળીના પર્વે ટીમ દ્વારા જુદી જુદી થીમ ઉપર રાજકોટ શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો ખાતે આકર્ષક કલાત્મક અને જાગૃતિના સંદેશા પાઠવતી રંગોળી બનાવી છે.
પોલીસ સ્ટેશનોમાં રંગોળી બનાવાઈ
જેમાં અંધશ્રધ્ધા નિર્મૂલન, બેટી બચાવો, મહિલાઓ સાથેના અત્યાચારો અટકાવવા સહિતની થીમ ઉપર રંગોળી બનાવાઈ છે. દીપાવલીના પર્વ નિમિતે તાલુકા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે 181ની ટીમ દ્વારા સંદેશાત્મક રંગોળી બનાવવામાં આવી છે અને નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.
સાયન્સ મ્યુઝિયમમાં આંશિક સૂર્યગ્રહણ દર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન
રાજકોટના ઈશ્વરીયા પાર્ક પાસે સાયન્સ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદઘાટન વડાપ્રધાન દ્વારા 19મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. આગામી 25મી ઓક્ટોબરના રોજ સાંજે 4:38 વાગ્યે આંશિક સૂર્યગ્રહણની અદભુત ખગોળીય ઘટના બનવાની છે. આ સંદર્ભે રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા સૂર્યગ્રહણ દર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ તમામ મુલાકાતીઓ વિનામૂલ્યે લઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.