પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં:રાજકોટમાં સીઝનના 13 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી, ઠેર ઠેર ખાડા અને ગંદકીના ગંજ જોવા મળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
તંત્ર મોટા મોટા બણગા ફૂંકવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે

રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરફ આગળ વધારવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે પરંતુ તેની સામે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ માત્ર 10 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર ખાડા ખબડા અને ગંદકીના ગંજ જોવા મળે છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર મોટા મોટા બણગા ફૂંકવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.

મનપાની પોલ છતી થઇ જવા પામી છે
મનપાની પોલ છતી થઇ જવા પામી છે

માત્ર 13 ઇંચ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું
રાજકોટ શહેરમાં જાણે ખાડા ખબડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય હોય તે રીતે મોટા ભાગના વિસ્તારોમાં ખાડા ખબડા અને કાદવ કીચડ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે 15 દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે જેના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે અને મનપાની પોલ છતી થઇ જવા પામી છે. દર વર્ષે મનપા દ્વારા ચોમાસા પૂર્વે ગેરેન્ટેડ રોડ રસ્તા રીપેર કરવામાં આવ્યાની વાતો કરવામાં આવે છે પરંતુ શહેરમાં ચોમાસા પૂર્વે રીપેર થતા રસ્તા કરતા ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તાની સંખ્યા વધુ સામે આવતી હોય છે.

મુસીબતનો સામનો તંત્રના વાંકે જનતાએ કરવો પડી રહ્યો છે
મુસીબતનો સામનો તંત્રના વાંકે જનતાએ કરવો પડી રહ્યો છે

વરસાદી માહોલમાં ડિમોલિશન
આજે શહેરના મહુડી પ્લોટ ઉદયનગર-2માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા ઋતુમાં વરસાદી માહોલમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય સ્થાનિકો દ્વારા રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં સ્થાનિક પોલીસે લોકોને સમજાવી ચક્કા જામ ખુલ્લો કરાવ્યો હતો

ઠેરઠેર રસ્તા પર ખાડા અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે
છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના પગલે શહેરના કોઠારીયા, વાવડી, રણુજા, રામાપીર ચોક, શીતલ પાર્ક, માધાપર ચોક, મવડી, અમદાવાદ હાઇવે, કુવાડવા રોડ સહિતના અનેક વિસ્તારમાં રસ્તા પર ખાડા અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. રાહદારીઓ ખાડા ખબડા અને કાદવ કીચડના કારણે ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેક રજુઆત કરવા છતાં રસ્તાના રીપેરીંગ કામ સરખા ન થતા ફરી ખાડા ખબડાની મુસીબતનો સામનો તંત્રના વાંકે જનતાએ કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી
તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી

ટ્રેક્ટરનું ટાયર ખાડામાં પટકાતા ટ્રોલીનો ભાગ પડી ગયો
ગઇકાલે રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 માં ગોંડલ ચોક નજીક પુલ નીચે રિધ્ધી સિધ્ધિ સોસાયટી નજીક સામાન ભરીને જતા ટ્રેક્ટરનું ટાયર ખાડામાં પટકાતા ટ્રોલીનો ભાગ પડી ગયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મામલે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી અને આજે આ ટ્રોલી પટકાતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી છે. ઉલ્લેખનીય છે કે ટ્રોલી પટકાતા સમયે સદ્નસીબે બાજુમાંથી કોઈ વાહન પસાર થતું ન હતું જો આ સમયે કોઈ વાહન પસાર થતું હોત તો કદાચ વાહન અને વાહન ચાલકને મોટું નુકશાન અને દુર્ઘટના સર્જાઇ હોત.

અન્ય સમાચારો પણ છે...