તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબાહીના દૃશ્યો:રાજકોટમાં 13 ઇંચ વરસાદમાં આજી નદી બેકાંઠે થતા રામનાથપરામાં મકાનોની દીવાલ, રેલિંગ ધરાશાયી થઇ, પાકા રસ્તા ઉખડી ગયા

રાજકોટ13 દિવસ પહેલા
આજીનદીમાં ઘોડાપૂર આવતા રામનાથપરા વિસ્તાર ધોવાયો.
  • રામનાથ મહાદેવ મંદિરમાં કચરાનો ગંજ ખડકાયો, રેલિંગ તૂટી ગઇ

રાજકોટના આજી નદીના પટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. વર્ષો જૂનું આ પૌરાણિક મંદિર કે જેની સાથે રાજકોટવાસીઓની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. ચોમાસાની ઋતુમાં વરસાદ આવે એટલે આજી નદીના પટમાંથી પાણી વહે છે અને ભગવાનને સીધો નદીમાંથી અભિષેક થાય છે. ગઈકાલે રાજકોટમાં પડેલા 13 ઇંચ વરસાદના કારણે રામનાથ મંદિર અને આસપાસના ઘરોમાં મોટી નુકસાની પહોંચી છે.

દર વર્ષે રામનાથપરા વિસ્તારમાં પાણી ઘૂસી જાય છે
ગઈકાલે સાંજે વરસાદે વિરામ લીધા બાદ રાત્રિના 12 વાગ્યા આસપાસ પાણી ઓસરી ગયા હતા અને એ બાદ મંદિર આસપાસ રસ્તા, રેલિંગ અને લોકોના ઘરમાં નુકસાનીના દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહેતી હોય છે અને રામનાથપરા અને જંગલેશ્વર અને ભગવતીપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે અને દર વર્ષે વધુ વરસાદ આવે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હોય છે.

રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી.
રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી.

મંદિરની આસપાસ કરવામાં આવેલી રેલિંગ તૂટી ગઈ
ગઈકાલે પણ 13 ઇંચથી વધુ વરસાદ નોંધાતા આજી નદી બેકાંઠે વહેતી હતી અને રામનાથ મહાદેવ મંદિર આસપાસ ઘરોમાં પાણી ઘૂસી જતા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદે વિરામ લીધા બાદ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું હતું અને રાત્રિના સમયે પાણી ઓસરી ગયા બાદ નુકસાનીના દૃશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદના કારણે મંદિરની આસપાસ કરવામાં આવેલી રેલિંગ તૂટી ગઈ હતી તો બીજી તરફ નદીકાંઠે આવેલા કેટલાક મકાનમાં પાણી ભરાતા નુકસાન થયું હતું, કેટલાક મકાનની દીવાલો ધરાશાયી થઇ હતી.

આજી નદી કાંઠાના પાકા રસ્તા ઉખડી ગયા.
આજી નદી કાંઠાના પાકા રસ્તા ઉખડી ગયા.

મંદિર જવાનો માર્ગ પણ તૂટી ગયો
ગત વર્ષે પણ ભારે વરસાદના કારણે આજી નદી ખાતે પૂર જેવી સ્થિતિ સર્જાતા રામનાથ મંદિરની રેલિંગ તૂટી પડી હતી. તો મંદિર જવાનો માર્ગ પણ તૂટી ગયો હતો. જેને પણ સમારકામ કરી રિપેર કરવામાં આવ્યો હતો. જે રસ્તો અને રેલિંગ ફરી ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે આજે રામનાથપરા વિસ્તારમાં નુકસાનીના સમાચાર મળતા મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સ્થળ મુલાકાત કરી હતી અને નુકસાની અંગે નિરીક્ષણ કર્યું હતું. બાદમનાં અધિકારીઓને આ કામ જલ્દીથી કરી રિપેરિંગ કરી આપવા સૂચના આપી હતી.

રામનાથપરામાં ભારે નુકસાન પહોંચ્યું.
રામનાથપરામાં ભારે નુકસાન પહોંચ્યું.

રાજકોટ ગ્રામ્યમાં 266 વીજપોલ ધરાશાયી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રને લાખોનું નુકસાન થયું છે. 24 કલાકમાં 545 થાંભલા પડી જતા ટીમો લાઇનો પર દોડી છે. રાજકોટ ગ્રામ્યમાં 266 વીજપોલ ધરાશાયી થયા છે. તેમજ ખેતીવાડીના 396 અને જે.જી. વાયના 47 થઇને કુલ 445 ફીડર બંધ થઆ જતા તે રિસ્ટાર્ટ કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યનાં 23 અને જામનગર જિલ્લાનાં 85 ગામો સહિત 145 ગામોમાં અંધારપટ છવાયો છે.

મનપા દ્વારા વોર્ડવાઇઝ કરવામાં આવેલી કામગીરી
વોર્ડ નં.1
ગઈકાલ રાજકોટ શહરેમાં આવેલા ભારે વરસાદના પગલે વોર્ડ નં. 1માં ચાલુ વરસાદે અને વરસાદના વિરામ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી વરસાદના પાણીનો અવિતર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

વોર્ડ નં.2
ગાયત્રીધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાં નડતર રૂપ દીવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવ્યો હતો, રામેશ્વર ચોક પાસેના વોકળાની સ્ક્રિન ચેમ્બર સફાઈ કરાવી હતી. કાશી વિશ્વનાથ પ્લોટ પાસે તથા જકાત નાકા હોકર્સ ઝોન પાસે મેન હોલ સફાઈ કરીને પાણી નિકાલ કરાવામાં આવ્યો હતો. સુભાષ નગર શેરી નંબર 8/ અ પાસે દીવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવ્યો હતો.

વોર્ડ નં.3
ચાલુ વરસાદ દરમિયાન ગંભીર અકસ્માત તેમજ જાનહાનિ ટાળવા માટે પોપટપરા નાલા તેમજ રેલનગર અંડરબ્રિજ પોલીસ ડિપાર્ટમેન્ટની સહાયથી બેરિગેટિંગ કરાવી રસ્તો બંધ કરાવ્યો હતો. ચાલુ વરસાદમાં વોર્ડમાં અલગ અલગ વિસ્તારમાથી પસાર થતા નાલામાંથી પાણીના યોગ્ય નિકાલ માટે વોકળા ટીમ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં.4
ભારે વરસાદ બાદ આજે બવાજીવાસ અને મિયાણાવાસમાંથી 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જયપ્રકાશ નગર અને ખોડીયારપરા વિસ્તારમાંથી લોકોને આવશ્યક સ્થળાંતરની કામગીરી ચાલુ છે. આ કામગીરી પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા સતત સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

રામનાથ મહાદેવ મંદિરની રેલિંગ તૂટી.
રામનાથ મહાદેવ મંદિરની રેલિંગ તૂટી.

વોર્ડ નં 5
માલધારી સોસાયટી તથા નવાગામ મેઈન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરાવ્યો હતો, વ્રજભૂમિ સોસાયટીમાં બ્લોક થયેલી સ્ક્રીન ચેમ્બર સફાઈ કરવી પાણીનો નિકાલ કરાવ્યો હતો. વલભનગર, સદગુરુ રણછોડનગર સંત કબીર રોડ પર સ્ક્રિન ચેમ્બર અને મેનહોલ સફાઈ કરાવી પાણીનો નિકાલ કરેલ.

વોર્ડ નં.6
ભારે વરસાદને લીધે વોર્ડ નં 6નાં વિસ્તારોમા પાણી ભરાઈ જતાં કોર્પોરેટર સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઈ. એસ.એસ. આઈ., તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સીતારામનગર રોડ પર પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ કરાવેલ. અંબિકા સોસાયટીમા ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાવેલ,

વોર્ડ નં.7
ભવાની નગર, રામનાથ ઘાટ વિસ્તારમાં બાંધકામ, ફાયર અને વિજિલન્સની ટીમ દ્વારા સારી અને સમયસર પ્રતિક્રિયા કરવામાં આવેલ, ભવાની નગરમાંથી પાણીનો રસ્તો ખોલવા માટે ડિવાઇડર હટાવવામાં આવેલ તેમજ ભવાનીનગર મુખ્ય માર્ગ પર પડેલ દીવાલનો કાટમાળ દૂર કરવામાં આવેલ. રાત્રે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પણ ફાયર સ્ટાફ અને બાંધકામ વિભાગના સ્ટાફ દ્વારા સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવેલ.

પેવરબ્લોક ઉખડી ગયા.
પેવરબ્લોક ઉખડી ગયા.

વોર્ડ નં.8
વોર્ડના કોર્પોરેટર સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફીસર, એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામા આવેલ. જેમાં રામધામ સોસા. શેરી નં.3માં પાણી ભરાવાથી દીવાલમા હોલ કરી પાણીનો નિકાલ કરેલ છે. અક્ષર મેઇન રોડ પર સ્પીડબેકરની સાઇડ તોડી રોડ પર ભરાતુ પાણીનો નિકાલ કરાવેલ છે. ચાલુ વરસાદ દરમિયાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના નિલાક માટે અલગ અલગ વિસ્તારમા સ્કિન ચેમ્બર સફાઇ ચાલુ રાખવામા આવેલ.

વોર્ડ નં 9
ભારે વરસાદનાં લીધે વોર્ડ નંબર 9માં વોર્ડ ઓફિસરશ્રી, વોર્ડ એન્જીનીયરશ્રી, સેનેટરી ઇન્સ્પેકટરશ્રી તથા તમામ ટેકનીકલ એન્જીનીયરીંગ સ્ટાફ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વોર્ડનાં કોર્પોરેટરોને સાથે રાખીને વિવિધ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર 3માં છેવાડાનાં મકાન રોડ લેવલ કરતાં નીચાં વાળા હોવાથી પાછળનાં બગીચામાથી ઘરની ગટરમાં પાણી આવતા ઘરમાં પાણી ભરાયેલ તેના તાત્કાલિક નિવારણ માટે બગીચાની દીવાલ તોડીને પાણીનો નીકાલ કરેલ.

ખાડા પડી ગયા.
ખાડા પડી ગયા.

વોર્ડ નં.10
આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વોર્ડ 10 કોર્પોરેટર સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ. જેમાં ઘનશ્યામ નગર શેરી નંબર 2 અપાર્ટમેન્ટ એ અને બી વિન્ગમાં પાણી ભરાતા ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજનું સંકલન કરી સક્શન મશીન દ્વારા પાણીનો નિકાલ કરેલ, સદગુરુનગર વોકળા કાંઠે પાણી ભરાતા ખુલ્લા પ્લોટ ચરેળા કરી માટી દૂર કરી પાણીનો નિકાલ કરેલ, રાવલ નગરમાં પાણી ભરાતા ચરેળા દ્વારા પાણીનો નિકાલ કરેલ, વામ્બે આવાસ યોજના પાછળ પાણી ભરાતા દિવાલમાં હોલ કરી પાણી નિકાલ કરેલ, શિવધામ સોસાયટી શેરી નંબર 2 બંધ પાણી ગટરના મેનહોલ તાત્કાલિક સાફ કરાવી પાણી નિકાલ કરેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત ક્વાર્ટર્સને ભારે વરસાદ અનુસંધાને ખાલી કરવાની સુચના આપેલ.

વોર્ડ નં.11
લક્ષ્મીના ઢોળે ઘરમાં પાણી ભરાતા હોવાથી નડતરરૂપ દીવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ, કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં ઘરમાં પાણી આવવાની શક્યતા હોવાથી સોસાયટીની પાછળની દિવાલ તોડી વોકડામાં પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરેલ, પાળ રોડ પર આવેલ વગળ ચોકમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા ત્યાં જેસીબીથી માટીના પાળા દૂર કરી ચોકનું પાણી ક્લિયર કરાવેલ, મવડી સ્મશાનની દિવાલ તૂટી ગયેલ હોવાથી નદીનું પાણી અંદર આવી જતા ફાયર બ્રિગેડને બોલાવી 10થી 15 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢેલ, મહુડી બેઠા પુલ પર ડ્રેનેજ પંપીગ સ્ટેશનની બાજુમાં વેરિંગ કોટ નીકળી ગયેલ હોવાથી તાત્કાલિક બધું જ ઉપડાવીને લોકોની અવર જવર થઇ શકે તે કામગીરી કરેલ છે. પુલની રેલિંગ તૂટી ગયેલ હોવાથી હાલ અત્યારે રેલિંગ રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે.

વોર્ડ નં.12
ગોપાલપાર્ક, વિનાયક નગર, અન્ય લાગુ વિસ્તાર, તેમજ ગોપાલપાર્ક મેઇન રોડ, શિવ સાગર હોલ પાસે ઉપરવાસથી પાણી આવતું હોય, બોટલનેક વિસ્તાર હોય જેસીબી તેમજ મજૂરો દ્વારા ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવેલ. વાવડી, જયભારત નગર, વિશ્વકર્મા નગર તેમજ અન્ય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની ફરિયાદ મળતાં, રોડ પરથી ભરતી દૂર કરી, ચરેડા દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરાવેલ. મવડી રોડ, મવડી ચોકડી, ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં સ્કિન ચેમ્બરની સફાઈ કરાવી, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવેલ.

ચાલુ વરસાદમાં મનપાની ટીમે કામગીરી કરી.
ચાલુ વરસાદમાં મનપાની ટીમે કામગીરી કરી.

વોર્ડ નં.13
રાજકોટ શહેરનો મુખ્ય અવર જવર રોડ ગોંડલ રોડ ચોકડીથી પીડીએમ કોલેજ જ્યાં વોર્ડ 13ની ટીમે SWM, બાંધકામ, સતત ખડે પગ રહી પાણી નિકાલ કરી વાહન વ્યવહારની અવર જવર બંધ ન થાય એ રીતે કામગીરી કરેલ છે, ગોંડલ રોડ પર આવેલ ઉમિયા મોબાઈલ પાસે વૃક્ષ પડી જવાના થોડા જ સમયમાં ગાર્ડન શાખાના કર્મચારીઓ દ્વારા તેમને ઉપાડી ગોંડલ રોડ પર ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરેલ.

વોર્ડ નં.14
​​​​​​​લલૂડી વોકળીમાં વરસાદનાં લીધે પાણીનું લેવલ ખૂબ જ વધી જતા લોકોના ઘરમાં પાણી આવી ગયેલ હોય તો ફાયર બ્રિગેડની ટીમ, ઉચ્ચ અધિકારીની ટીમ, પોલીસની ટીમ દ્વારા
મદદરૂપ થઈ લોકોના બચાઉ કાર્યની કામગીરી તેમજ જમવાની વ્યવસ્થા કરેલ હતી. હાથીખાના, જયરાજ પ્લોટ વિસ્તારમાં કાચુ બાંધકામની દીવાલ પડી ગઈ હોય જેને JCB દ્રારા દૂર કરી પાણી નિકાલનો રસ્તો કરેલ હતો. માસ્તર સોસાયટી, વાણીયાવાડી, સોરઠીયા સર્કલ, લક્ષ્મીવાડી વિસ્તારમાં SWM ટીમ દ્રારા સ્ક્રીનીંગ ચેમ્બરની સફાઈ કરી પાણી નિકાલનો રસ્તો કરેલ હતો.

મનપાએ જેસીબીની મદદથી રસ્તો કરી પાણીનો નિકાલ કર્યો.
મનપાએ જેસીબીની મદદથી રસ્તો કરી પાણીનો નિકાલ કર્યો.

વોર્ડ નં.15
શ્રીહરિ ઇન્ડસ્ટ્રી ખોખડદળ નદીના કાંઠે જેસીબી વડે ચરેડો કરી તેમજ નદી બાજુ પાળો કરી પાણી નિકાલ કરેલ. નેશનલ હાઇવે મારુતિ, કિશાન, ધારા ઇન્ડસ્ટ્રી જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ. ગંજીવાડા પીટીસી દીવાલ પાસે જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ. 80 ફૂટ રોડ સત્યમ પાર્ક પાઇપ ગટરનો કચરો દૂર કરી પાણી નિકાલ કરેલ. 80 ફૂટ રોડ ફિલ્ડ માર્શલ પાસે મેનહોલ દ્વારા પાણીનો નિકાલ કરેલ.

વોર્ડ નં.17
ભારે વરસાદ કારણે ઘનશ્યામ નગર શેરી નં 5-6માં વરસાદી પાણીનો ભરાવો થતા 2 પંમ્પ મુકી પાણીનો નિકાલ કરાવેલ. ગીતાજંલી સોસાયટી શેરી-1 બંધશેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા દીવાલમાં હોલ કરીને પાણીનો નિકાલ કરેલ, ખોડીયાર નગરમાં પાણી ભરાઈ જતા પાઈપ ગટરની સફાઈ કરાવી પાણીનો નિકાલ કરાવેલ, પારડી રોડ, સહકાર મેઈન રોડ, હરીધવા રોડ સ્ક્રીન ચેમ્બરની સફાઈ કરાવી વરસાદી પાણીનો નીકાલ કરાવેલ.
​​​​​​​

વોર્ડ નં 18
​​​​​​​કોઠારીયા ચોકડીથી અમદવાદ બાજુ નેશનલ હાઇવેની બાજુમા આવેલ વોકળામાં ખૂબ જ વધારે પાણી આવતા, અંદાજે 30-35 ઝુંપડાના રહીસોને નજીકમા આવેલ તીરૂપતી શાળામા સ્થળાતંર કરેલ છે. અંદાજે 70-80 માણસોનું સ્થળાંતર કરવામાં આવેલ. જયરામ પાર્ક પાસે આવેલ હોકળાના કાઠાના મજુરો અને ઝુપડપટ્ટી વાળાના અંદાજે 50-60 લોકોને નજીકમા આવેલ તીરૂપતી શાળામાં સ્થળાતંર કરેલ છે. હાપલીયા પાર્કમા વરસાદી પાણી ભરાઇ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે, નારાયણનગરમા વરસાદી પાણી ભરાઇ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે.