રાજકોટ મનપાની કામગીરી:મોટામવા અને વાવડીમાં ડિમોલિશન કરી 11 ઓરડી અને 1 મંદિર તોડી પડાયું, સોમવારથી પાણીચોરી રોકવા ટીમો ઉતરશે, એક્શન પ્લાન તૈયાર

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું. - Divya Bhaskar
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું.
  • 17 માર્ચના રોજ દબાણકર્તાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે વોર્ડ નં.11માં મોટામવામાં આવેલા 18 મીટર રોડ અને વોર્ડ નં.12માં ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલી 11 ઓરડી અને એક નાનુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. મોટામવામાં આવેલા પેન્ટાગોન હાઈરાઈઝ બિલ્ડિંગની પાઠળ 9 ઓરડી, વાવડીમાં સર્વોદય સ્કૂલ પાસે આવેલી એક ઓરડી અને એક નાના મંદિર પર બૂલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માગ પણ વધી ગઇ છે. હવે પાણીની ચોરી અને બગાડ થવાની પણ શક્યતા હોઇ મનપા કમિશનર અમિત અરોરાએ પાણીની પૂરી સપ્લાય સિસ્ટમ પર સુપરવિઝન ગોઠવવા અને પાણીચોરીની પ્રવૃત્તિ રોકવા સોમવારથી કડક કાર્યવાહી કરવા ઇજનેરોને સૂચના આપી છે. સોમવારથી હેડવર્કસથી માંડી નળ કનેકશન સુધી સંપૂર્ણ વ્યવસ્થા અને સપ્લાયનું ઓડિટ થાય તે રીતે વોટર વર્કસ વિભાગ કામે લાગશે તેમ આજે કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

17 માર્ચે કારણદર્શક નોટિસ અપાઇ હતી
સવાલવાળી મોટામવાની ટી.પી. સ્કીમ નં. 24 3/11/2016થી મુસદારૂપ મંજૂર થયેલ હોઇ ધી ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ- 1976ની કલમ 48(ક) હેઠળ 18 મી. ટી.પી. રોડ પરના દબાણકર્તાઓને 17/03/2022થી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધર્યા પૂર્વે સ્થળ ઉપર જઈ અને તેઓના દબાણો દૂર કરવા યાદી પાઠવવામાં આવી હતી. આમ તેઓને નુકસાની ન થાય તે માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ ગેરકાયદેસર દબાણ ન હટાવાતા અંતે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.

પાંચ સ્નાગારમાં એક અઠવાડિયામાં 9243 સભ્યો નોંધાયા
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત-ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, સિન્થેટિક ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્સ જીમ, નાનામવા મલ્ટિ એક્ટિવિટી સેન્ટર લેડીઝ જીમ તથા શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર, તમામ 5 સ્નાનાગારો ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. જેમાં રજિસ્ટ્રેશન શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ કુલ 9243 સભ્યો નોંધાયા છે. જેના માટે રૂ. 74,30,020ની આવક પણ થઈ છે.

હાલ ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવવાની કામગીરી ચાલી રહી છે
રાજકોટમાં હાલ ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જૂની એસી પ્રેસર પાઇપલાઇનમાંથી લીકેજ વધારે રહે છે. આથી આવી મેઇન લાઇનોમાંથી લોસ ઘટાડીને પાંચ ટકા સુધી લાવવા અધિકારીઓને જણાવાયું છે. હાલ પાઇપલાઇનમાંનો લોસ 9 ટકા સુધી રહેલો છે. અન્ય એક મહત્વની વ્યવસ્થામાં જે તે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં સમ્પ કનેક્શનથી પાણી આપવાની વ્યવસ્થા હોય છે. પૂરી સોસાયટીનું એક જ નળ બિલ જાય છે પરંતુ ઘણી વખત સોસાયટીના અમુક સભ્ય બિલ ન ભરે તો પૂરી સોસાયટી કે એપાર્ટમેન્ટ સામે નોટિસ જેવી કાર્યવાહી કરવી પડે છે. આથી હવે તમામ આસામીના વ્યક્તિગત પાણી વેરાના બિલ બનાવવામાં આવશે. આથી જે આસામી બિલ ન ભરે તેઓ સામે જ કાર્યવાહી કરવામાં આવશે.