તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇનલ માર્કશીટ આપવાની ફોર્મ્યુલા:ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં ધોરણ 11-12ની એકમ કસોટીના 50-50 ટકા માર્ક ગણી તૈયાર કરવી જોઈએ માર્કશીટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ધો.12ની માર્કશીટની ફોર્મ્યુલા સામે અનેક વિસંગતતાઓ ઉદૃભવતા રાજકોટના શિક્ષણવિદોએ સરકારને પત્ર લખી આપ્યા ઉકેલ
  • ધોરણ 10ના વિજ્ઞાનના 50 ટકા માર્કના આધારે ધોરણ 12ની માર્કશીટ તૈયાર કરવામાં વિજ્ઞાન ઉપરાંત ચિત્રકળામાં પણ ગૂંચવણની શંકા અંગે ધ્યાન દોરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઇનલ માર્કશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી દેવામાં આવી છે. જોકે આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં કેટલીક વિસંગતતા પ્રવર્તી છે ત્યારે રાજકોટના શિક્ષણવિદો સાથે વાતચીત કરતા તેમણે કેટલાક ઉકેલ સૂચવ્યા છે.

ધો.12 સાયન્સ અને કોમર્સમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજી માત્ર એક જ વિષય છે જયારે ધો.12માં ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં માર્ક કેમ મુકવા. એવો જ પ્રશ્ન કોમર્સમાં પણ ઉપસ્થિત થયો છે જેની શિક્ષણબોર્ડે સ્પષ્ટતા કરી નથી ત્યારે રાજકોટના શિક્ષણવિદો જણાવે છે કે ધો.12 સાયન્સના બી ગ્રૂપના વિદ્યાર્થીઓને માર્ક આપવા માટે ધો.10ને આધાર ન બનાવવો જોઈએ તેના બદલે ધો.11 અને 12ની એકમ કસોટીના માર્કના આધારે જ ત્રણેય વિષયમાં માર્ક મૂકી શકાય.

એક્સપર્ટે કહ્યું, આ ત્રણ પ્રકારે ધો.12ની સાયન્સની માર્કશીટ બની શકે

1. ધો.10ના વિજ્ઞાનના 50% લેખે ત્રણ વિષયમાં માર્ક મૂકી શકાય
ધારો કે ધો.10માં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કોઈ વિદ્યાર્થીને 80 માર્ક મળ્યા હોય તો તેના 50% લેખે 40 ગુણ ધો.12ના ત્રણેય વિષયો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં સળંગ એક સરખા 40-40 માર્ક ગણી શકાય. બાકી ભાષાના વિષયના માર્ક તો ધો.10ના જે-તે વિષયના આધારે જ મૂકી શકાય. મુખ્ય ત્રણ વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીનો જ પ્રશ્ન છે ત્યારે આ પધ્ધતિ અપનાવી શકાય.

2. ધો.10ના વિષયોના જૂથ બનાવીને માર્ક આપી શકાય
સરકારે જાહેર કરેલી ફોર્મ્યુલામાં ધો.10ના 50% ગુણ ગણવાના છે ત્યારે ધો.12ના ‘એ’ ગ્રુપમાં વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણ વિષયનું જૂથ બનાવીને 50% લેખે ગુણ આપી શકાય જયારે ‘બી’ ગ્રુપના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એમ ગણિત સિવાયના વિષયોનું જૂથ બનાવીને 50% ગુણ આપી શકાય એવી સંભાવના વધુ છે.

3. ધો.10ના ન ગણવા, માત્ર 11-12ના એકમ કસોટીના ગુણ લેવા
ધો.12 સાયન્સમાં ધોરણ 10ના વિષયનો આધાર જ ન લેવામાં આવે તેના બદલે ધો.11 અને 12ના વિદ્યાર્થીઓએ જે એકમ કસોટી આપી છે તેના ગુણના આધારે જ ટકાવારી કરી ધો.12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં માર્ક ગણવા. કારણ કે ધો.10ના માત્ર વિજ્ઞાન વિષયના આધારે ગુણ આપવા કરતા ધો.11 અને 12ની એકમ કસોટીના આધારે અપાય તો વિદ્યાર્થીઓને અન્યાય ન થાય.

પ્રેક્ટિકલના ગુણ, ધો.11માં લેવાયેલી પ્રેક્ટિકલના આધારે જ માર્ક ગણી શકાય
રાજ્યના 8 મહાનગરોમાં કોરોનાના કેસને કારણે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા લેવાઈ શકી નથી જેના કારણે પરિણામ બનાવવામાં માર્ક ઉમેરવામાં મુશ્કેલી સર્જાઈ છે ત્યારે નિષ્ણાંતો જણાવે છે કે ધોરણ 10માં પ્રેક્ટીકલ હોય નહીં, આથી ધોરણ 11માં લેવાયેલી પ્રેક્ટીકલ પરીક્ષામાં મળેલા ગુણના આધારે જ ધો.12માં પણ માર્ક આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...