રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ 72 દિવસ જેલમાં રહ્યા બાદ ગઈકાલે પ્રથમ વખત ભાવનગરમાં ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યા હતા. દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી કહ્યું હતું કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ, પણ હા, પહેલા પણ કહેતો અને આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા..’ એટલું જ નહીં, લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ થયો હતો.
રવિવારે રાત્રે કમળાઈ માતાજીના મંદિરે લોકડાયરો યોજાયો
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત ખવડ સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. 72 દિવસના જેલવાસ બાદ શરતી જામીન પર છૂટેલા દેવાયત ખવડ ગઈકાલે પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં લોકડાયરાના મંચ પર રાત્રિના 12 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું.
વાયડાઈની નહીં, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે
આ પછી 2 વાગ્યાથી દેવાયત ખવડે સ્ટેજ પર માતાજીની આરાધનાથી સ્તુતિ ગાઇ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્તુતિ પૂરી થતાં તેમણે કહ્યું હતું કે આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન. ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, કારણ કે વાયડાઇ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે, પણ હા, પહેલાં પણ કહેતો, આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા..’
મારી અરજી રિજેક્ટ થાતી ત્યારે દુનિયા દાંત કાઢતી
મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. આ પછી એક બાદ એક સાહિત્યની વાતો, લોકગીત, દુહા દેવાયત ખવડે લલકાર્યા હતા અને એમાં એક કલાકથી વધુ સમય સુધી સતત તેમના પર રૂપિયાની ઘોરરૂપી વરસાદ થતો રહ્યો હતો અને સાથે ડોલર પણ ઊડતા નજરે પડ્યા હતા.
નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે
મયૂરસિંહ રાણા સાથે ચાલતી બબાલને યાદ કરતાં નામ બોલ્યા વગર તેમણે જણાવ્યું હતું કે નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઇશું.
લોકડાયરામાં ગુજરાતના નામી કલાકારો હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.