તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:પડધરીના થોરિયાળીમાં કોઈ સપોર્ટ નહિ, ઉચ્ચ અધિકારીને ફોન પણ કોઈ જવાબ નહીં, 1 મહિનામાં 35ના મોત, મૃતકના ફોટા સાથે વેદના રજૂ કરી

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • મીડિયા આવવાની જાણ થતા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા આરોગ્ય ટીમ સાથે દોડી ગયા
  • 45 લોકોના ટેસ્ટ કરાતા 5 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આરોગ્યના નામે ગામમાં મીંડુ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં 35 લોકોનો ભોગ લીધો છે. આજે ગ્રામજનોએ 35 મૃતકના ફોટા સાથે પોતાની વેદના રજૂ કરી હતી. ગ્રામજનો સરકારને પોકાર કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ગ્રામજનોએ કહ્યું હતું કે, અમારા ગામની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે. ગ્રામ્ય વિસ્તારની સાચી હકીકત તો ગામડાઓમાં આવો તો ખબર પડે.

ગામમાં કોઇ જ પ્રકારની સુવિધા નથી
ગામમાં કોઇ જ પ્રકારની વ્યવસ્થા નથી. આથી લોકોના મોત નીપજી રહ્યાં છે. સીસીસી સેન્ટર સુવિધા વગર કેમ ચાલુ કરવું તે મોટો સવાલ છે. ગામમાં સમાજની વાડી મોટી છે પરંતુ કોઇ સુવિધા નથી. ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આજે મીડિયા આવવાની જાણ થતા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા આરોગ્ય ટીમ સાથે દોડી ગયા હતા. જેમાં 45 લોકોના ટેસ્ટ કરાતા 5 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. થોરીયાળી ગામની વસ્તી 4500થી 5000ની છે.

નાના એવા ગામમાં સોંપો પડી ગયો.
નાના એવા ગામમાં સોંપો પડી ગયો.

વેક્સિન પણ હજુ સુધી આવી નથી
ગામના સરપંચ ગોવિંદભાઇ નથુભાઇ પેઢડીયાએ જણાવ્યું હતું કે, થોરીયાળી ગામની અંદર 35 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 9 વ્યક્તિ હાલમાં ગંભીર છે. સરકાર દ્વારા હજુ ટેસ્ટ કરવામાં આવે તો 100થી 150 જેટલા કેસ આવે તેમ છે. અત્યારે ગામની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે. સરકારી અધિકારીઓને જાણ કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી. વેક્સિન અંગે તંત્રમાં મેં ફોન કર્યા તો એવો જવાબ મળે છે કે, આજે આવે કે કાલે આવે. પરંતુ આજદિન સુધી વેક્સિન હજી આવી નથી. 35 લોકોના મૃત્યુમાંથી 3 યુવાન હતા અને બાકીના 50થી 60 વર્ષના લોકો મૃત્યુ પામ્યા છે.

ગ્રામજનોએ મૃતકોના ફોટા સાથે વેદના રજૂ કરી.
ગ્રામજનોએ મૃતકોના ફોટા સાથે વેદના રજૂ કરી.

હું આજે થાકી ગયો, ગામને શું જવાબ આપવો-સરપંચ
સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, મેં સરકાર અને અધિકારીને વારંવાર રજુઆત કરી તો જવાબ મળે છે કે, આજે આવશુ કે કાલે આવશું. ગામની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે, મારા મન માનતો જવાબ આજદિન સુધી અધિકારીઓ પાસેથી મળ્યો નથી. હું આજે થાકી ગયો છું કે ગામને હું શું જવાબ આપું. હવે તો ગામલોકો જાતે કરીએ તો પરિસ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે બાકી સરકાર પાસેથી આશા છોડી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...