ગૃહકલેશ:‘અમારી જ્ઞાતિમાં છોકરી 35 લાખ ન આપે તો ઘરમાં પગ જ મૂકવા ન દઇએ’ કહી પરિણીતાને કાઢી મૂકી

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી માવતરે રહેતી પરિણીતાની અમદાવાદ સ્થિત પતિ, બે નણંદ, તેની પુત્રી સામે ફરિયાદ

દહેજ સહિતના મુદ્દે સાસરિયાઓ દ્વારા પુત્રવધૂ પર અત્યાચાર કરવાના વધુ એક બનાવની રાજકોટના રૈયા રોડ, સુભાષનગર-6માં છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી હેતલબેન નામની પરિણીતાએ અમદાવાદના મણિનગર રહેતા પતિ જિજ્ઞેશ પ્રાણલાલ ભટ્ટ, નણંદ રીટાબેન શૈલેષભાઇ ભટ્ટ, નણંદ તૃપ્તિબેન અને નણંદ રીટાબેનની દીકરી કૃપા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બીએસસી સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, જિજ્ઞેશ સાથે તેના લગ્ન 2018માં આર્યસમાજ વિધિથી અમદાવાદમાં થયા છે. તેના આ બીજા લગ્ન છે. લગ્ન કરીને સાસરે જતા જ પતિ અને બંને નણંદ અને નણંદની પુત્રીએ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. બધા કહેતા કે, અમારી જ્ઞાતિમાં 35 લાખ છોકરી આપે નહિ તો અમે લોકો એવી છોકરીને ઘરમાં પગ મૂકવા ન દઇએ તેમ કહી રૂ.35 લાખના દહેજની માગણી કરતા રહેતા હતા. અને કહેતા કે તું તારા પિયરથી કાંઇ કરિયાવરમાં લાવી નથી, તો તારા બાપને કે દહેજમાં સારો એવો કરિયાવર આપે તેમ કહી દહેજ અને કરિયાવર મુદ્દે મેણાં મારી ત્રાસ આપતા હતા.

બંને નણંદ પતિને પોતાના વિરુદ્ધ ચડામણી કરતા હતા. જેને કારણે પતિ પોતાની સાથે ઝઘડો કરી કહેતા કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારી બહેનો કહે તેમ જ તારે કરવાનું નહિતર તારા પિયર જતી રહેજે. લગ્નના ચાર મહિના બાદ જ પતિ અવારનવાર પોતાને પિયર જતી રહેવાનું કહી ત્રાસ આપતા હતા, પરંતુ પોતાના બીજા લગ્ન હોય ઘરસંસાર ન તૂટે તે માટે દુ:ખ સહન કરતી હતી.

જેનો પતિ અને નણંદો પૂરો લાભ ઉઠાવી પોતાના પર માનસિક-શારીરિક ત્રાસ આપતા રહેતા હતા. એટલું જ નહિ નણંદ રીટાબેનની દીકરી કૃપા પણ પોતાની સાથે ખરાબ વર્તન કરી તારા આ બીજા લગ્ન છે તો તું મર્યાદામાં રહેજે, અમે ચારેય જણા અમારી મર્યાદા વટાવીને રહીશું. બંને નણંદ અને ભાણેજ પતિ સાથે અંદરોઅંદર ઝઘડો કરતા રહેતા હોય આ ઝઘડાનું કારણ પોતાના પર નાંખી દઇ પોતાને ત્રાસ આપતા હતા. અને પોતાની સામે જ પતિને કહેતા કે, આને તું છૂટાછેડા આપી દે, આના કરતા પણ સારી ગોતી આપીશ. બાદમાં પોતાને ઘરની બહાર નીકળી જવાનું કહેતા પોતે ઘર છોડીને નીકળી ગઇ હતી.

આ સમયે પતિ જિજ્ઞેશ મને કહેતા કે, હું તારી જવાબદારી છું, અને ઘરજમાઇ તરીકે રહેવા માગું છું તેમ કહી તે પણ પોતાની સાથે પિયર રહેવા આવી ગયા હતા. જે વાતથી બંને નણંદમાં ઉકળતું તેલ રેડાતા અમારે તમારું મકાન પચાવી પાડવાનું છે તેમ કહેતા અમે બંને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યાં હતા. જ્યાં પતિ અવારનવાર પોતાના પર ત્રાસ ગુજારી બે વર્ષ પહેલા પહેરે કપડે કાઢી મૂકી હતી. ત્યાર બાદ સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ નણંદ અને ભાણેજ કૃપા સમાધાન કરવા તૈયાર ન હોય અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...