ભાસ્કર વિશેષ:સ્વચ્છતા સર્વેક્ષણ 23ની તૈયારી માટે મનપાએ શહેરીજનો માટે શરૂ કરી ‘સ્વચ્છતા રેન્કિંગ’

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 નવેમ્બર સુધીમાં મનપાની વેબસાઈટ પરથી ભાગ લેવા માટે કરી શકાશે નામાંકન

રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે રેન્કિંગમાં સારો ક્રમ આવ્યા બાદ હવે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેકોર્ડ તોડવા માટે કમર કસવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ફરીથી શહેરીજનો માટે સ્વચ્છતા રેન્કિંગની શરૂઆત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા અનુસાર સ્વચ્છ સર્વેક્ષણ-2023ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ હોટેલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા-જુદા પેરામીટર જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેકના આધારે દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરાશે. રેન્કિંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.IN ઉપરથી 30-11 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવાના નિયમો

  • સ્વચ્છતા જાગૃતિ તથા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના બેનર તથા હોર્ડિંગ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023નો લોગો ફરજિયાત છે. લોગો તથા બેનરની ડિઝાઇન પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-7 મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએથી મળી રહેશે.
  • સ્વચ્છતા રેન્કિંગમાં વિવિધ માપદંડો જેમ કે પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરાપેટીની વ્યવસ્થા, ભીના કચરાના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે કરવાની રહેશે.

6ઠ્ઠા ક્રમેથી 11 અને બાદમાં ફરી 7મે પહોંચી શક્યું રાજકોટ
રાજકોટ મનપાને ગત વર્ષે 11મો ક્રમ મળ્યો હતો અને તેની પહેલા 6ઠ્ઠો ક્રમ હતો. આ હદ સુધી પરિણામ બગડવાને કારણે તાકીદની બેઠકો બોલાવીને કામ શરૂ કરાયા હતા અને ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવા, પેવર બ્લોક નાખવા સહિતના કામો કરાયા હતા જેથી ચાલુ વર્ષે 7મો રેન્ક આવ્યો છે અને અમદાવાદ તેમજ વડોદરાને પાછળ મૂકીને સમગ્ર રાજ્યમાં સુરત બાદ બીજો ક્રમ
આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...