વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક રીતે યોજાઈ તે માટે અગાઉ મારામારી અને પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા બે આરોપીની અટકાયત કરી પાસા હેઠળ ભુજ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. અગાઉ હત્યાની કોશિશ તેમજ મારા મારી અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હતા.
પ્રોહિબીશનના 9 ગુનાના આરોપીને પકડી પાસા હેઠળ ધકેલવામાં આવ્યો
અમિત ધામેચાની અટકાયત કરી તેને ભુજ જેલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ઉના અને રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 વખત વિદેશી દારૂના જથ્થામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઈરફાન ઉર્ફે રોકી ઠારસિયાની ધરપકડ કરી તેને ભુજ જેલ ખાતે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.
રિક્ષામાં બેસાડી લોકોના રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ
રાજકોટમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ સેરવી લેતી ટોળકીની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પોપટપરા મેઈન રોડ પરથી ઓટો રિક્ષા સાથે સંજય ઉધરેજીયા, સુરેશ ઉર્ફે સુરી ભોજવીયા અને સુરેશ સોલંકી નામના 3 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 11,000 રોકડ મળી કુલ 61,000 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બે આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સુરેશ ઉર્ફે સુરી ભોજવીયા રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ અલગ 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સુરેશ સોલંકી જૂનાગઢ અને રાજકોટમાં અલગ અલગ 14 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
રાજસ્થાનના અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો
કોટા રાજસ્થાનના અપહરણના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી ઈશ્વરસીંગ પરમારને અપહરણનો ભોગ બનનાર સાથે શહેરના બેડી ચોક નજીકથી ઝડપી પાડી આરોપીને રાજસ્થાન પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લિકેટ ચાવીથી વાહનો ઉઠાવી જતી ગેંગ ઝડપાઇ
ડુપ્લિકેટ ચાવી વડે વાહનો ઉઠાવી જતી અનેક ટોળકી પોલીસના હાથે ઝડપાઇ ચૂકી છે. પરંતુ રાજકોટ પોલીસે આજરોજ પકડી પાડેલ આ બેલડીની MO કઇક અલગ જ સામે આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ આરોપીઓ વાહનમાં GPS સિસ્ટમ લગાડી તેને વેચી દેતા અને પાછળથી GPS સિસ્ટમની મદદથી વાહન ટ્રેક કરી બીજી ચાવીની મદદથી વાહન ઉઠાવી લઈ જતી ગેંગનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં 2 આરોપીઓ તથા બોલેરો પીકઅપ વાન સહિત કુલ 8 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.