રાજકોટના સમાચાર:ખોડલધામ, શેઠનગર અને શીતલ પાર્ક સહિતના પોશ વિસ્તારોમાંથી એક સપ્તાહમાં 402 પશુઓ ડબ્બે પુરાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે ખોડલધામ, શેઠનગર અને શીતલ પાર્ક સહિતના પોશ વિસ્તારોમાંથી એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 402 પશુઓને પકડવામાં આવ્યા છે.

આ સ્થળોએથી પશુઓ પકડાયા
જેમાં સંતકબીર રોડ, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટીમાંથી 23, વેલનાથ, કોઠારીયા ગામ, ડ્રીમલેન્ડ, ખોડલધામ સોસાયટી, તિરૂપતિનગર, ગાયત્રીનગર, ગીતાજલીમાંથી 45, ગાંધીગ્રામ, ભારતીનગર, મોચીનગર, અક્ષરનગર તથા આજુબાજુમાંથી 31, રૈયાગામ, મુંજકા, મીરાનગરમાંથી 29, શેઠનગર, શિતલપાર્ક, ઘનશ્યામનગર, મારૂતિનંદનમાંથી 38, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, ગંગોત્રી પાર્કમાંથી 22, જડેશ્વર સોસાયટી, માધવ વાટીકા સોસાયટી, ગોકુલ પાર્ક, માનસરોવરમાંથી 10, જય જવાન જય કિશાન, ગાંધી સ્મૃતિ, મોરબી રોડ, રણછોડનગરમાંથી 17, મનહરપુર, અયોધ્યા રેસીડેન્‍સી, જે.કે. ચોકમાંથી 23, આજી ડેમ, શ્યામ પાર્ક સોસાયટી, ગોંડલ રોડ, કોઠારીયા સોલવન્‍ટમાંથી 28 મળીને કુલ 402 પશુઓ પકડવામાં આવેલ છે.

સિટી બસમાં ગેરરીતિ આચરતા 8 કંડકટર સસ્પેન્ડ
મનપાની સિટી બસ સેવામાં ઓપરેટર એજન્સીને દંડ ઉપરાંત આઠ કંડકટરને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આજે રાજકોટ રાજપથ લી. કંપનીએ જાહેર કરેલા રીપોર્ટ મુજબ મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 6025 કિ.મી.ની એટલે કે રૂા. 2.10 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. તો અલ્ટ્રા મોડર્ન એજન્સીને રૂા. 10,500ની પેનલ્ટી કરાઇ છે. ગેરરીતિ બદલ 8 કંડકટરને સસ્પેન્ડ કરાયા હતા અને 13 મુસાફર ટીકીટ વગર પકડાતા રૂા. 1430નો દંડ કરાયો હતો.