ક્લીન ઇન્ડિયા કેમ્પેઈન:રાજકોટના મુંજકામાં જ્યાં ત્યાં કચરો ફેંકનારાઓનું કાઉન્સેલિંગ કરી સરકારી અધિકારીઓ અને રમતવીરોએ કચરો એકત્ર કર્યો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નદીકાંઠેથી રમતવીરોએ કચરો એકત્ર કર્યો - Divya Bhaskar
નદીકાંઠેથી રમતવીરોએ કચરો એકત્ર કર્યો
  • ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસના અધિકારીઓ પણ જોડાયા હતા

દેશવ્યાપી ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન-2021 અંતર્ગત રાજકોટ શહેરની ભાગોળે આવેલા મુંજકા ખાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને રમતવીરોએ કચરાનું એકત્રિકરણ કર્યું હતું. જાહેર જગ્યાએ કચરો ફેંકવા આવતા નાગરિકોને કાઉન્સેલિંગ કરીને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત ગમત કચેરી તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પાણીના કુદરતી સ્રોતમાં કચરો ન ફેંકવા લોકોને સમજાવ્યા
આ સફાઈ અભિયાનમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસના અધિકારીઓ પણ જોડાયા હતા. આઝાદીનો અમૃત મહોત્સવને લઇ યોજાયેલા આ કાર્યક્રમમાં મુંજકા ખાતે આવેલી નદી પરના પુલની આજુબાજુના વિસ્તારમાંથી તમામ પ્રકારનો ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. નદીમાં કચરાનું વિસર્જન કરતા પુંજાભાઈ મકવાણા નામના સ્થાનિક નાગરિકને અધિકારીઓએ પાણીના કુદરતી સ્રોતમાં કચરો ન ફેંકવા સમજાવ્યા હતા, જે બદલ પુંજાભાઇએ દિલગીરી વ્યક્ત કરી હવેથી આવું ન કરવા અધિકારીઓને ખાતરી આપી હતી.

વહેલી સવારે સફાઈ અભિયાન હાથ ધર્યું.
વહેલી સવારે સફાઈ અભિયાન હાથ ધર્યું.

આ અભિયાનમાં 50થી વધુ રમતવીરો જોડાયા હતા
વહેલી સવારથી આરંભાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 50થી વધુ રમતવીરો અને તેમના પ્રશિક્ષકો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી સચિન પાલ, રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા, રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા અને પી.આર.પાંડાવદરા તથા વિવિધ રમત ગમતના કોચ તથા ટ્રેનર હર્ષિલ સોની સહિતનાએ મુંજકા ગામની નદી આજુબાજુમાં રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હતી.