ગંદકીથી લોકો ત્રસ્ત:મોચીનગર અને ભાવના સોસાયટીમાં 11 વર્ષથી વોંકળાના પાણી ઘરમાં ઘૂસે છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોચીનગર અને ભાવના સોસાયટીના લોકોએ નર્કથી પણ બદતર હાલતમાં રહેતા હોવા અંગેનો વસવસો વ્યક્ત કર્યો હતો. - Divya Bhaskar
મોચીનગર અને ભાવના સોસાયટીના લોકોએ નર્કથી પણ બદતર હાલતમાં રહેતા હોવા અંગેનો વસવસો વ્યક્ત કર્યો હતો.
  • અનેક વખત રજૂઆત છતાં એકબીજા પર ખો આપતું તંત્ર : અધિકારીઓ નિરીક્ષણ કરીને રવાના થઇ જાય છે

રાજકોટ મનપા દ્વારા શહેરમાંથી વોંકળા દૂર કરવાની સુંદર કામગીરી થકી શહેરને ગંદકીમુક્ત કરવામાં આવી રહ્યું છે છતાં અમુક વિસ્તારમાં વોંકળા જોવા મળી રહ્યા છે. જેમાં વોર્ડ 2માં આવેલા મોચીનગર અને ભાવના સોસાયટીના લોકો વોંકળામાં થતા ગંદકી, કચરા, મચ્છર તથા અસહ્ય બદબૂથી પરેશાન થઇ ગયા છે.

રાજકોટના અમુક વિસ્તારમાં હજુ પણ વોંકળા નજરે પડે છે. ત્યારે વોર્ડ 2માં રહેતા સ્થાનિક મનોજભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી વોંકળા દૂર કરવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી વોર્ડ 2માં વોંકળો દૂર કરવામાં ન આવતા લોકો પરેશાન થઇ ગયા છે. વોંકળામાં આખા વર્ષ દરમિયાન પાણી ભરાતું હોવાથી કચરા સાથે મિશ્ર થઇ જતા મચ્છરનો ઉપદ્રવ તથા બદબૂ આવતા અનેક લોકો બીમારીમાં સાંપડી ગયા છે. વોર્ડ 1માં સ્થાનિકોએ ભૂગર્ભનું કનેક્શન લીધું ન હોવાથી, તેનું પાણી વોર્ડ 2ના વોંકળામાં આવી જતા સમસ્યા ઊભી થાય છે.

ઉપરાંત બીજી બાજુ વાડી આવેલી હોવાથી તેમાં પાણી ન જાય તે માટે ત્યાં કોઈને કોઈ રીતે આડશ બનાવવામાં આવે છે. જેથી નાછૂટકે પાણી વોંકળામાં જ રહેતું હોવાથી સ્થાનિકો દ્વારા અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વોર્ડમાં મોચીનગર અને ભાવના સોસાયટીમાં આવેલા 75 જેટલા મકાનમાં રહેતા 250થી 300 લોકોની સમસ્યા એ હદને પણ પાર કરી ચૂકી છે કે, જો ઘરના દરવાજા બંધ રાખવામાં આવે તો પણ અસહ્ય બદબૂ ઘરમાં આવતા સ્થાનિકોને ઘરે રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

સમસ્યાથી થાકી ગયેલા સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેતા, તંત્ર દ્વારા એક બીજા પર ખો આપતા હોવાથી પરિસ્થિતિ યથાવત્ રહી છે. વરસાદી મોસમમાં તંત્ર દ્વારા ક્યારેક સાફ સફાઈ કરવામાં આવતા થોડા દિવસ સમસ્યાનું હલ થઇ જાય છે, પરંતુ આખરે સમસ્યાનું ફરી સર્જન થતા સ્થાનિક લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...