ભાસ્કર એક્સકલુઝિવ:મનપામાં આરોગ્ય શાખામાં મોડા આવતા કર્મીઓ પાસે રજા મુકાવાઈ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક કર્મી વિરુદ્ધ કાર્યવાહી થતા બધે જ કાગડા કાળાનો ઘાટ
  • સેન્ટ્રલ ઝોન કચેરીના બધા કર્મીઓ પાસે સામૂહિક CLમુકાવી

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની આરોગ્ય શાખામાં ફરજ નિભાવતા કર્મચારીઓ મોડા આવતા એકસાથે 15થી 20 પાસેથી અડધા દિવસની રજા લખાવી લેવાના આરોગ્ય અધિકારીએ શિસ્તભંગના પગલાં રૂપે લેતા મોડા આવતા સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે. સેન્ટ્રલ ઝોનની આરોગ્ય શાખામાં લંચ બ્રેક બાદ પણ સ્ટાફ મોડે સુધી ડોકાતો ન હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ સાંજે 4 વાગ્યા છતાં કોઇ કર્મચારી ટેબલ પર ન ફરકતા બધાની રાહ જોઇ હતી અને મોડા આવનાર તમામ પાસેથી અડધા દિવસની રજા લખાવી લીધી હતી.

આ કારણે મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ જે કર્મચારીઓ કારણ સાથે મોડા આવ્યા હતા અને છતાં રજા મૂકવી પડી હતી તેમાં કચવાટ થયો હતો. જોકે આ અંગે ડો. વંકાણીએ જણાવ્યું હતું કે, શિસ્તભંગના ભાગરૂપે અરજી લખાવાઈ છે રજા મંજૂર કરવી કે નહિ તે નિર્ણય હવે લેવાશે.

બીજી તરફ આ આખી ઘટનામાં તપાસ કરતા બીજી કચેરીના એક કર્મચારી પર કાર્યવાહી કરતા ચેઈન રિએક્શન થતા કાર્યવાહી કરવી પડી હોવાનું સામે આવ્યું છે. એક કર્મચારી પોતાના ફરજ સ્થળે સમયસર પહોંચી ન શકતા તેને ખરી ખોટી સાંભળવી પડી હતી તેથી તે કર્મચારીએ આરોગ્ય અધિકારી બેસે છે તે સેન્ટ્રલ ઝોનમાં જ અનિયમિતતા હોય છે તેવો બળાપો કાઢતા કાગડા બધે કાળાની સ્થિતિ સર્જાઈ હતી અને બધા સામે પગલાં લેવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...