સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે, પરંતુ સોની બજારથી લઇને રોકડની હેરફેર માટે આચારસંહિતા હજુ નડી રહી છે. આચારસંહિતાને કારણે હાલ રોકડના લેણ-દેણના વ્યવહારો સ્ટોપ થઈ ગયા છે. કાયદેસરની રોકડ હોય તો જેને મોકલવાની હોય તે લેનારને કહે છે કે, તમે રોકડ લઈ જાવ. જ્યારે જેને રોકડ લેવાની છે તે મોકલનારને કહે છે કે, તમે દુકાને પહોંચાડી દો. આમ, હજુ સુધી કોઈ વેપારી સાહસ કરવા તૈયાર નથી. આચારસંહિતા લાગુ પડ્યા બાદ આંગડિયા બંધ થઇ ગયા છે.
જ્યારે માલની ડિલિવરી ચાલુ હતી ત્યારે કિંમતી માલના અનેક પાર્સલ સીઝ થઈ જવાના ડરથી જે તે પાર્સલ ડિલિવર કરાયા નહોતા આવા પાર્સલ હાલમાં હજુ પણ સ્ટોક થઈને પડ્યા હોવાનું વેપારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે. રાજકોટ એ સોની બજારમાં ખરીદી- વેચાણ અને ઉત્પાદન માટે એપિસેન્ટર ગણાય છે. અહીં જે કાચું સોનું આવે છે તે મોટેભાગે અમદાવાદથી આવે છે.
જેથી 20 ટકાથી વધુ માલ આવતો બંધ થયો છે. સિઝનમાં જ આચારસંહિતાનું વિઘ્ન નડતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.ફેબ્રુઆરીમાં શરૂ થતાં લગ્ન મુહૂર્તમાં હવે ખરીદી નીકળશે. અત્યારે બીજા શહેરમાં થતાં સોનાના વેપાર હજુ શરૂ નથી થયા. વેપારીઓના જણાવ્યા અનુસાર જે - તે સમયે આચારસંહિતાના નામે કરાતા ચેકિંગની કાર્યવાહીને કારણે કેટલીકવાર હેરાનગતીનો પણ સામનો કરવો પડ્યો છે તેમજ ખરીદી પણ અટકી ગઇ હતી.
મત ગણતરી બાદ વેપાર-ઉદ્યોગ રાબેતા મુજબ થશે
5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન છે અને 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. એટલે જ્યાં સુધી મત ગણતરી નહિ થાય ત્યાં સુધી વેપાર ઠપ થયેલા જોવા મળશે. જોકે હાલમાં લગ્ન માટે નવી સિઝનના ઓર્ડર શરૂ થયા છે. જે અંદાજિત ગત વખતની સરખામણીએ 10 ટકાથી વધારે હોવાનું વેપારીઓ જણાવે છે. એક અંદાજ મુજબ રાજકોટમાં આંગડિયા પેઢીથી દૈનિક રૂ. 30 કરોડથી વધુ સોના-ચાંદીના દાગીના અને તેના પેમેન્ટના વ્યવહારો થાય છે.
અત્યારે માત્ર 2% જેટલી જ ખરીદી બાકી હોય છે
ડિસેમ્બરમાં 12-13 એ સૌથી છેલ્લા લગ્ન માટેના મુહૂર્ત છે. આ માસમાં લગ્ન હોય તેની માત્ર 2 ટકા જ જેટલી ખરીદી બાકી હોય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ પડી અને ચૂંટણીના નામે ચેકિંગ ચાલતું હતું. તેમાં જે હેરાનગતિ થતી હતી તેનાથી બચવા અનેક વેપારીઓએ ઓર્ડર લીધા નથી. આમ સિઝન સમયે જ કામકાજ પ્રભાવિત થયું છે. - પ્રવીણભાઈ વૈદ્ય, બોર્ડ મેમ્બર જીજેઈપીસી એક્સપોર્ટ કમિટી રાજકોટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.