રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:લક્ષ્મીનગરમાં યુવકના મિત્રએ જ પત્નીના સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું ખુલ્યું, પોલીસે ધરપકડ કરી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિત્રની પત્નીના જ ઘરેણાની ચોરી કરનાર શખસ ઝડપાયો. - Divya Bhaskar
મિત્રની પત્નીના જ ઘરેણાની ચોરી કરનાર શખસ ઝડપાયો.

રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અજયભાઈ નીકુલભાઈ ચૌહાણ 13 ઓગસ્ટના રોજ ઘરે તાળુ મારી કારખાને કામ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેનો મિત્ર શૈલેશ રવજીભાઈ બગથારીયા તેની પાસે આવી લૌકિક કામે જવા માટે બાઈક લઇ જવાનું કહેતા તેને ચાવી આપી હતી. જેમાં મકાનની ચાવી પણ સાથે હોય મિત્ર કામ પતાવી સાંજે કારખાને આવી બાઈક પરત આપી ગયો હતો. રાત્રિના કામ પતાવી ઘરે ગયો હતો તે દરમિયાન કબાટનો દરવાજો ખુલ્લો હોય અને તેની પત્નીના દાગીના નહીં જોવા મળતા ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા CCTV ફૂટેજમાં શૈલેષ કેદ થઇ ગયો હતો. આથી તેની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા તેને પૈસાની જરૂરિયાત હોય માટે ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરવા તેમજ વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી રોડ પર તસ્કરોનો તરખાટ, 6 લાખની ચોરી કરી
રાજકોટ શહેરની સાથોસાથ તસ્કરોએ ભાગોળે પણ તરખાટ મચાવ્યો હોય તેમ કુવાડવા રોડ, મોરબી રોડ અને વાંકાનેર રોડ પરથી ટોળકીએ રૂપિયા 6 લાખની કિમતના વીજ વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી શકમંદોને ઉઠાવી લઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. આ અંગે નોંધાયેલ ફરિયાદમાં સરધાર ગામે રહેતા અને PGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા દિવ્યકાંતભાઈ નાનસીંગભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વાંકાનેર રોડ ઉપર સણોસરા ગામ નજીક તસ્કરો રૂપિયા 63 હજારની કિંમતનો 1857 મીટર વાયરની અજાણ્યા શખસો ચોરી કરી ગયાની તેમજ મઘરવાડા રોડ ઉપર વીજ થાંભલા પરથી રૂપિયા 36,544ના વીજ વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ કરી હતી.

5 લાખના 1800 મીટર સોલાર વીજ વાયરની ચોરી
આ અંગે કોપરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા અને મુંજકા ગામે રહેતા પાર્થભાઈ બળદેવભાઈ દલસાણીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોરબી રોડ પર કોટડાથી વીરવાવ તરફ જતી 5 લાખની કિમતના 1800 મીટર સોલાર વીજ વાયર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે શકમંદોને સકંજામાં લઇ ગુનાનો ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી છે.

લક્ષ્મીનગર મેઇન રોડ પર કોલેજીયન યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ મહાદેવ વાડીમાં રહેતી કોલેજીયન છાત્રાએ મચ્છર મારવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. યુવતી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું અને તેના પિતા કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. યુવતીને પોલીસની પરીક્ષા આપવી હોય તેના ટ્યુશનની ફીના પૈસા મામલે ખેંચ ઉભી થતાં દવા પી લીધાનું કહેવાતાં પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.

ગાંજા સાથે ઝડપાયેલો આરોપી નાસતો ફરતો હતો.
ગાંજા સાથે ઝડપાયેલો આરોપી નાસતો ફરતો હતો.

નાસતા ફરતા આરોપીની ધરપકડ
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીકથી પકડાયેલ ગાંજાના જથ્‍થાના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીની પેરોલ ફર્લો સ્‍કવોડે ધરપકડ કરી છે. રાજકોટ શહેર SOG પોલીસે થોડા સમય પહેલા શીતલ પાર્ક પાસેથી 1 કિલો 800 ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે અજય બચુ વાડોદરીયા અને હિતેષ કનકભાઇ જાંબુડીયાને પકડી ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યા હતા. જે બન્નેની પૂછપરછમાં સમીરનું નામ ખુલતા ગાંધીગ્રામ પોલીસે સપ્‍લાયર સમીર અગ્રવાલને પકડી પાડ્યો હતો અને બાદ તેની પૂછપરછ કરતા ભુપતનું નામ ખુલ્‍યુ હતું. જે બાદ ભુપત નાસતો ફરતો હોવાથી આજરોજ ભુપત ધાધલ રાજકોટ આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્‍ક્વોડે તેની ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...