રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે દોડી આવેલા મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે, દીકરીને ગળેટૂંપો આપીને હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પતિ મેહુલ સોલંકીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી
ઘટનાની વિગત અનુસાર કોટડાસાંગાણીમાં ભાડવા રોડ પર મફતીયાપરામાં રહેતી સુમનબેન મેહુલભાઈ સોલંકી (ઉં.વ.30)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતા ચંદુભાઈ મોહનભાઈ સંકેરાને જાણ થતા તેઓ કલકતાથી દોડી આવ્યા હતા અને દીકરીની હત્યા કરાય હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે પતિ મેહુલ બાબુભાઈ સોલંકીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
જમાઈ દારૂ પીને મારકૂટ કરતો હોવાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો
પરિણીતાના માતા-પિતાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે, બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. જેથી અમને દીકરીના જેઠે જાણ કરી હતી. જમાઈ મેહુલ સોલંકી સુમનને દારૂ પીને મારકૂટ કરતો હતો અને ખોટી શંકા કરતો હતો. જેથી મેહુલે જ સુમનને ગળેટૂંપો આપી હત્યા કરી છે. જેથી પોલીસે પતિ મેહુલ બાબુભાઈ સોલંકીને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મેહુલ શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. મૃતકને સંતાનમાં બે દિકરા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.