રાજકોટ શહેરના ભગવતીપરા બ્રિજ નજીક બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. મહાદેવ અને તેની સાથે અન્ય એક યુવાન દ્વારા હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.35) તથા અસલમ હનીફભાઇ નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બી ડિવિઝન પોલીસે પણ હુમલાખોર બે યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઇકો કાર ઝાડ સાથે અથડાતા એક યુવકનું કમકમાટીભર્યુ મોત
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના જુના રાજપીપળા ગામે રહેતા દેવરાજભાઇ દિનેશભાઇ મોરીએ કોટડાસાંગાણી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઇકાલે સવારે આઠ વાગ્યે પોતે તેના મિત્રો સુમીત ઉપેન્દ્રભાઇ રાઠોડ, સાહિલ ધીરૂભાઇ સોલંકી, જયેશ દિનેશભાઇ કુવાડીયા, વિપુલભાઇ ભાવેશભાઇ સીસોદીયા, વિજય મણીલાલ કુવાડીયા સહિતના નવ યુવકો ઇકો ગાડીમાં પીપલાણા ગામ નજીક આવેલ સનમાઇકા કંપનીમાં કામ માટે જતા હતા ત્યારે ઇકો ચાલક વિજયભાઇ પુરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો. જેથી તેને સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર ગોળાઇ વળી ન હતી અને સીધી ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
મૃતકના પરિવારમાં શોક છવાયો
જેમાં બેસેલા ફરીયાદી તથા સુમીતભાઇના હાથ પગ ભાંગી ગયા હતા તેમજ સાહિલ, જયેશ તથા વિપુલને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં પ્રથમ કોટડાસાંગાણી સીવીલ હોસ્પિટલે ખસેડેલ હતા જયાં સુમીત રાઠોડ નામના યુવકનું મોત નિપજયું હતું. જયારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કોટડાસાંગાણી પોલીસ મથકના સ્ટાફે ઇકો ચાલક વિજય મણીલાલ કુવાડીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પત્ની પીડિત પતિની ફરિયાદ દાખલ, પત્નીએ પુત્રીની જ હત્યા કર્યાનો ખુલાસો
રાજકોટ શહેરના પુજારા પ્લોટમાં રહેતા જીજ્ઞેશભાઈ ગોંડલીયાના લગ્ન નિલમ સાથે થયા હતા તેને એક પુત્રી છે. દીકરી જયારે માત્ર 6 માસની હતી ત્યારે માતા નિલમે આ પુત્રીનો પલંગ ઉપરથી ઘા કર્યો હતો અને અન્ય સાસરીયાઓએ જીજ્ઞેશને મારી નાખવાની ધમકી આપી હતી અને પરણીતાના ભાઈએ ઘરે આવી ધમાલ કરી હતી. જેથી જીગ્નેશે તેની પત્ની નીલમ, સાળા રાકેશ નાગજીભાઈ ચુડાસમા, સાળા ભરત નાગજીભાઈ ચુડાસમા, સસરા નાગજીભાઈ હંસરાજભાઈ ચુડાસમા સામે કાયદાની જોગવાઈ મુજબ સીધી અદાલતમાં ફરિયાદ દાખલ કરેલ હતી. આ બનાવમાં માતાએ પોતાની જ બાળકીની હત્યાના પ્રયત્ન કરેલ છે અને અન્ય આરોપીઓએ પત્તીને ત્રાસ આપેલ છે. આ ગંભીર આક્ષેપ સાથે ફરીયાદ દાખલ થતા ફોજદારી કોર્ટે સી.આર.પી.સી.ની કલમ 202 મુજબ આ ફરીયાદ પોતા પાસે ઈન્કવાયરી મા રાખેલ હતી અને આ ફરીયાદના તત્વોની ઈન્કવાયરી પોતે કરેલ હતી અને લાગતા વળગતા સાહેદોના ઈન્કવાયરીમાં અદાલતમાં નિવેદન નોંધવામાં આવેલ હતા. જેને લઇ ફરિયાદીને વકીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે આઇપીસી 307, 504, 323, 506, મુજબનો ફોજદારી કેસ રજીસ્ટરે નોંધવાનો હુકમ ફરમાવેલ છે.
PGVCLએ 70 લાખની વીજ ચોરી ઝડપી પાડી
સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે PGVCL દ્વારા બે હજારથી વધુ વીજ કનેક્શન ચેક કરી 250થી વધુ ક્નેક્શનમાંથી 70.17 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. જેમાં ભુજ સર્કલ હેઠળ 838 કનેક્શન ચેક કરી 49 ક્નેક્શનમાંથી 28.53 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી. જયારે ભાવનગર સર્કલ હેઠળ 336 કનેક્શન ચેક કરી 96 ક્નેક્શનમાંથી 17.11 લાખ અને રાજકોટ શહેરમાંથી 1069 કનેક્શન ચેક કરી 115 ક્નેક્શનમાંથી 24.53 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.