બેઠક:ખોડલધામે આજે પાટીદાર આગેવાનો એક મંચ પર, રાજકીય ગણિત મંડાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાગવડ ખોડલધામ મંદિર. - Divya Bhaskar
કાગવડ ખોડલધામ મંદિર.
  • નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાના હોદ્દેદારો દર્શન માટે આવતા હોવાનું કથન
  • બેઠકને લઇ ગાંધીનગર પણ સતર્ક થયું, ગુપ્તચર એજન્સીની બેઠક પર મીટ

શનિવારે કાગવડ ખોડલધામ મંદિરે ઉમિયાધામ ટ્રસ્ટના હોદ્દેદારો અને સુરત પાટીદાર સમાજના આગેવાનો આવી રહ્યા છે, ખોડલધામના નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાના હોદ્દેદારો દર્શન માટે આવી રહ્યાની વાત બંને સમાજના આગેવાનો કહી રહ્યા છે પરંતુ દર્શન સાથે રાજકીય ગણતરીઓ પણ માંડવામાં આવે તેવી વાતો ઉઠી છે અને રાજ્યની ગુપ્તચર સંસ્થાઓ પણ આ બેઠક પર મીટ માંડીને બેઠી છે.

ખોડલધામ મંદિરે શનિવારે સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ અને સુરત પાટીદાર સમાજના આગેવાનો આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાજિક રીતે લેઉવા અને કડવા પાટીદારો નજીક આવે અને પાટીદાર સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે આગળ આવે તેવા હેતુથી પાંચ મહિના પૂર્વે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સિદસર ઉમિયાધામ ગયા હતા. શનિવારે ઉમિયાધામ ટ્રસ્ટના હોદ્દેદારો સહિત કડવા પાટીદાર આગેવાનો ખોડલધામ જઇ રહ્યા છે. આ વાત જાહેર થતાં જ રાજકીય વર્તુળમાં પણ તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ છે. આગેવાનો સવારે 10 વાગ્યે ખોડલધામે દર્શન કર્યા બાદ બપોરના 1.30 વાગ્યા સુધી હોદ્દેદારો વચ્ચે બેઠક પણ થવાની છે, 2021માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોઇ ચોક્કસ રણનીતિ માટે આ બેઠક યોજાઇ રહ્યાની રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઇ છે, આ બેઠક પર ગાંધીનગરથી વોચ શરૂ થઇ છે અને રાજ્યની ગુપ્તચર એજન્સી પણ આ બેઠક પર નજર રાખી રહી છે.

આ આગેવાનો હાજર રહેશે
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઇ બાદશાહ, સીદસર ઉમિયાધામ મંદિરના જયરામભાઇ પટેલ, ઉંઝા મંદિરના દિલીપભાઇ નેતા, સોલા ઉમિયાધામ કેમ્પસના વાસુદેવ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર. પી. પટેલ તેમજ સરદારધામના ગગજીભાઇ સુતરીયા હાજર રહે તેવી સંભાવના છે.

વધુ એક બેઠક મળે તેવી સંભાવના
શનિવારે ખોડલધામમાં લેઉવા અને કડવા પાટિદાર સમાજના અગ્રણીઓ એકત્ર થઇ રહ્યા છે આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ ફરી વખત એક બેઠક મળે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે, આ બેઠકમાં મહિલાઓની ઉપસ્થિતિ રહે તો નવાઇ નહી.

અન્ય સમાચારો પણ છે...