ચકચાર:ખીરસરામાં બે દિવસમાં 5 ગાયનાં મોત, કેમિકલના કારણે મોત થયાનો આક્ષેપ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોટેલમાંથી કચરો ઠાલવી દેવાય છે, કચરો મૃત્યુનું કારણ હોઈ શકે - Divya Bhaskar
હોટેલમાંથી કચરો ઠાલવી દેવાય છે, કચરો મૃત્યુનું કારણ હોઈ શકે
  • પશુપાલન અધિકારીએ કહ્યું, એંઠવાડ ખાવાથી મોત થયાનું અનુમાન

લોધિકાના ખીરસરા ગામમાં સારા વરસાદથી ચરિયાણ સારું હોવાથી ગામના મોટાભાગના પશુપાલકો માલઢોર અહીં ચરાવે છે. તેની વચ્ચે 2 દિવસમાં એક સાથે 5 ગાયનાં મોત થતાં માલધારીઓમાં હડકંપ મચી ગયો છે. સાથે જ 5 ગાય હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જેની સારવાર ચાલી રહી છે. પહેલા એક દિવસમાં એક સાથે 4 ગાયનાં મોત થયા હતા અને 6 ગાયની સારવાર ચાલી રહી હતી.

જેમાંથી એક ગાયનું ગઈકાલે મોત થતાં કુલ 5 ગાયનાં મોત અને 5 ગાય સારવાર હેઠળ છે. ઘટના અંગે જાણ થતાં તાલુકાના પશુપાલન અધિકારી તેમજ પોલીસ દોડી ગઈ હતી. એક સાથે 5 ગાયનાં મોત થતાં પશુપાલકે કેમિકલ ખાવાથી ગાયોનાં મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે પશુપાલન અધિકારીનું કહેવું છે કે, રેસ્ટોરન્ટનો એંઠવાડ ખાવાથી ગાયોનાં મોત થયા છે.

કેમિકલયુક્ત પાણી પીવાથી મોતની શંકા
અમારા બે માલિકોની 5 ગાયનાં મોત થયા છે અને સારવાર ચાલતી 5 ગાય જીવશે કે નહીં તે નક્કી નથી. ગાયોનાં મોતનું કારણ કેમિકલ જ છે. કારખાનાવાળા વાહન લઈને ઝેરી કેમિકલ અહીં ઠાલવી જાય છે. ચરતા ચરતા ગાયો ત્યાં ઠલવાયેલા કેમિકલ બાજુ જતી રહી અને તે ખાવાથી તુરંત આફરો ચઢી ગયો અને મોતને ભેટી હતી. - કનુભાઈ, પશુપાલક

કેમિકલ નહીં, હોટેલનું વેસ્ટેજ ફૂડ ખાવાથી મોત થયાનું અનુમાન
ગાયોના મોતનું કારણ કેમિકલ નહીં, પરંતુ હોટેલનું વેસ્ટેજ ફૂડ ખાવાથી ગાયોનાં મોત થયા હોવાનું અનુમાન છે. આ માટે પીએમ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. સ્થળ વિઝિટ પણ કરી ત્યાં ચોતરફ ઝબલામાં એંઠવાડ પણ જોવા મળ્યો હતો. આવી ઘટના બીજી વખત ન બને તે માટે અમે ગ્રામપંચાયતને જાણ કરી વેસ્ટેજ નાખવા પર પ્રતિબંધ મુકીશું. - ડો. સાવલિયા, પશુપાલન અધિકારી

અન્ય સમાચારો પણ છે...