વિવાદ:જેતપુરમાં આપના હોદ્દેદારને પૂર્વ પાલિકા પ્રમુખે ગાળો ભાંડી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળાપરામાં સભા ન કરવાનું કહી ધમકી પણ આપી
  • ભાન ભૂલેલા​​​​​​​ આગેવાને પ્રજાને પણ અપશબ્દો કહી ઈસુદાન ગઢવી અંગે પણ વાણીવિલાસ કર્યો: ત્રણ ઓડિયો ફરતી થઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યમાં ગરમાયો છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં તા.1 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને પ્રથમ તબક્કામાં આવતા વિસ્તારોમાં પ્રચાર જોરશોરથી શરૂ થઇ ગયો છે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાને જાહેરસભા યોજવાની તૈયારી શરૂ કરતાં જ ભાજપના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપના આગેવાનને ફોન કરી સભા નહીં યોજવા ધમકી આપી હતી અને ગાળોનો વરસાદ વરસાવ્યો હતો, આ વાર્તાલાપની ત્રણ ઓડિયો ફરતી થતાં રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

શનિવારે સાંજે સોશિયલ મીડિયામાં ત્રણ ઓડિયો ફરતી થઇ હતી, જેમાં જેતપુરમાં રહેતા રવિ નિમાવતને જેતપુરના જ સુરેશ સખરેલિયા ઉર્ફે લાલભાઇ ગાળો ભાંડતા હોવાનું સંભળાતું હતું, આ મામલે દિવ્ય ભાસ્કરે રવિ નિમાવત સાથે વાત કરતા રવિ નિમાવતે જણાવ્યું હતું કે, પોતે રાજકોટ જિલ્લા આમ આદમી પાર્ટીનો જોઇન્ટ સેક્રેટરી છે અને જેતપુરમાં રહે છે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ આપના ઉમેદવારનો પ્રચાર શરૂ કર્યો છે અને જેતપુરના બાવળાપરામાં જાહેરસભા યોજવાની તૈયારી શરૂ કરી હતી અને આ અંગેના હોર્ડિંગ્સ લગાવવા અને પત્રિકા ફરતી કરવાનું શરૂ કરતાં જ જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન સુરેશ વલ્લભ સખરેલિયા ઉશ્કેરાયાહતા અને તેણે શુક્રવારે રાત્રે ફોન કરીને બાવળાપરામાં આપનીસભા નહીં યોજવા ધમકી આપી હતી અને ગાળોનો વરસાદ શરૂ કર્યો હતો.

રવિ નિમાવતે પોતે આપનો કાર્યકર હોય અને જાહેરસભા યોજશે તેમ કહેતાં જ સુરેશ સખરેલિયા વધુ ઉશ્કેરાયો હતો અને કોઇપણ સંજોગોમાં સભા નહીં યોજવા દે અને યોજાશે તો પોતે સ્થળ પર જઇને ટાંટિયા ભાંગી નાખશે તેવી ધમકી આપી ફરીથી ગાળો ભાંડવા લાગ્યો હતો.ભાજપના આ આગેવાન સુરેશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપના ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા ઇશુદાન ગઢવી માટે પણ અપશબ્દો કહ્યાં હતા, ગાળો ભાંડતા ત્રણ ઓડિયો ફરતી થતા રાજકોટ જિલ્લા અને જેતપુરમાં માહોલ ગરમાયો હતો, રવિ નિમાવતે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. દિવ્ય ભાસ્કરે સુરેશ સખરેલિયાનો સંપર્ક કરી ઓડિયો અંગે પૂછતાં તેણે રવિ નિમાવતને ગાળો ભાંડ્યા અંગે કે ફરતા થયેલા ઓડિયોમાં તેનો અવાજ હોવા અંગે ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...