જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં ફ્યુલ પૂરાવી રૂપિયા આપ્યા વિના લુખ્ખા શખસે કાર ભગાવી મૂકી હતી. બાદમાં પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડ્યા તો તેને કારથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આથી તેઓ રસ્તા પર પટકાઇને 10 ફૂટ જેટલા ઢસડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર પોલીસે સીસીટીવીના આધારે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
શું જોવા મળે છે સીસીટીવીમાં
સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ફ્યૂલ પૂરાવવા આવે છે. કારમાંથી બહાર નીકળ્યા વિના જ આ શખસ ફ્યુલ પૂરવાનું પેટ્રોલ પંપના કર્મચારીને કહે છે. આથી પેટ્રોલ પંપના કર્મચારી તેમની કારમાં ફ્યુલ પૂરી રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કાર આગળ મોબાઇલમાં વાત કરી રહ્યા છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક કારની આગળથી સાઇડમાં વાત કરતા કરતા આવી જાય છે. ફ્યુલ પૂરાતા જ આ કારમાં બેસેલો શખસ રૂપિયા આપ્યા વિના કાર ભગાવી મુકે છે.
કાર ટર્ન મારતાં પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાયા
બાદમાં કાર ભગાવી મૂકતા શખસને કાર સાથે રોકવા પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડે છે. પરંતુ ચાલક ટર્ન મારી પેટ્રોલ પંપના માલિકને જોરદાર ટક્કર મારે છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાઇ છે અને 10 ફૂટ જેટલા ઢસડાઇ છે. આથી પેટ્રોલ પંપના કર્મી પોતાના માલિકને બચાવવા પાછળ દોડે છે. પરંતુ કારની જોરદાર ટક્કરને કારણે પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચે છે.
(તસવીરોઃ હિતેષ સાવલિયા, જેતપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.