આપત્તિઓનો વરસાદ:જસદણની ધોબીકોલોનીમાં મકાન પર વીજળી પડતા પતરા ધરાશાયી, બે બાળકો સહિત 3 ઘાયલ, કમોસમી વરસાદથી વરવા દ્રશ્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતરાના મકાન પર વીજળી પડી - Divya Bhaskar
પતરાના મકાન પર વીજળી પડી

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય‎ પંથકને તોફાની વરસાદે સતત‎ બીજા દિવસે ધમરોળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા‎ સાથે વરસેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ‎ ધારણ કરી લીધું હતું. જ્યાં મકાન પર વીજળી પડતા પતરા પડી ગયા હતા અને અંદર ભોજન ગ્રહણ કરતા પરીવાર પર પતરાં પડતા બે બાળકો સહિત 3 લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે પરપ્રાંતીય પરિવાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.

દુર્ઘટનાને પગલે પરપ્રાંતીય પરિવારના મોભી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
દુર્ઘટનાને પગલે પરપ્રાંતીય પરિવારના મોભી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા

બાળકો પતરાં નીચે દટાઈ ગયા
આ અંગે પરપ્રાંતીય પરિવારના મોભી દશરથભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, બારે ખૂબ જ વરસાદ આવતો હતો અમે લોકો અંદર બેઠા હતા અને પુત્રવધુ રસોડામાં ભોજન બનાવતા હતા અચાનક જ આકાશમાં વીજળીના કડાકા ભડાકાનો અવાજ આવ્યો. અચાનક વીજળી પડી અને અમારું પતરાનુ મકાન પડી ગયું. બધું ભોજન ઢોળાઈ ગયું. નીચે બેસીને મારો દીકરો અને બે બાળકો જમતા હતા. એના પર પતરાં પડ્યા. બંને બાળકો તો પતરાં નીચે દટાઈ ગયા હતા. અમે લોકોએ ફટાફટ તેમને બહાર કાઢ્યા અને દીકરાની પીઠ પર ઇજાઓ પહોંચી હતી. બાળકોના પગ પર ઇજાઓ પહોંચી હતી.

બધું ભોજન ઢોળાઈ ગયું
બધું ભોજન ઢોળાઈ ગયું

ખેતરમાં વ્યાપક નુકસાન
નોંધનીય છે કે જસદણ પંથકમાં ગઈકાલે વરસાદ એ વેરેલા વિનાશથી ખેડૂતોને શિયાળુ પાકમાં બહુ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. જે ખેડૂતે રાત-દિવસ જોયા વગર ચાર-ચાર મહિના સુધી તનતોડ મહેનત કરી હતી તેમના ખેતરમાં વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ખોખરીયા ગામના ખેડૂત ઘનશ્યામભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, ઘઉં ,ચણા, ધાણા,જીરૂ સહિતના પાકને નુકસાન થયું છે.

વીજળી પડતા મકાન ધરાશાયી થયું હતું
વીજળી પડતા મકાન ધરાશાયી થયું હતું

ખેડૂતની આશા પર વરસાદે પાણી ફેરવ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજારો વીઘામાં શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. જસદણ તાલુકામાં હજારો ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અમે સારું ઉત્પાદન મેળવવા માટે મોંઘા ભાવના દવા બિયારણ સહિતના અને ખર્ચાઓ કર્યા હતા. વાવેતર કરતા સમયે અમને આશા હતી કે તેમને સારું ઉત્પાદન મળશે અને સારી એવી આવક પણ થશે. પરંતુ આ આશા પર ગઈકાલે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...