વ્યાજખોરે કાયદાની આડમાં યુવકને ફસાવ્યો:જસદણમાં યુવાને 80 હજાર વ્યાજે લીધા'ને રૂ.3 લાખ ઉછીના આપ્યાનું સ્ટેમ્પ પેપર પર લખાણ લખાવ્યું

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજ્યભરમાં સરકારે વ્યાજખોરોને ડામી દેવા ખાસ ઝુંબેશ આદરી છે. જેને લઈને રાજકોટ જિલ્લાના જસદણમાં પણ એક વ્યાજખોર સામે ગુન્હો નોંધાયો છે. જેમાં જસદણમાં ખાનગી નોકરી કરવા આવેલા મોડાસાના યુવાનને 120 ટકા વ્યાજે રૂપિયા આપનાર જગદીશ વઘાસીયા નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં જસદણમાં ખાનગી નોકરી કરવા આવેલા મોડાસાના યુવાને વ્યાજે રૂ.80 હજાર લીધા પછી રૂ.3 લાખ ચૂકવવા ધમકીઓ મળતા ફરિયાદ દાખલ કરાવી હતી.

તારે મને રૂ.3 લાખ આપવાના રહેશે
આ બનાવમાં ફરિયાદી વિશ્વાસ ક્રાંતિભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે વર્ષ 2022 માં તે જસદણના ગોકુલ ચોક મેઈન રોડ ખાતે પ્રાઈવેટ નોકરી કરતો હતો. ત્યારે રૂપિયાની જરૂર પડતા ચિતલીયા રોડ પર આવેલ સરદાર ચોકમાં રહેતા જગદીશ ધીરૂભાઈ વઘાસીયા પાસેથી વાર્ષિક 36 ટકાના વ્યાજે રૂ.80 હજાર લીધા હતા. વિશ્વાસ દર મહિને જગદીશને વ્યાજ ચૂકવતો. આ પછી ગત તા.21-4-2022 ના રોજ જગદીશે વિશ્વાસને બોલાવી કહ્યું હતું કે, તારે વાર્ષિક 120 ટકા વ્યાજ ભરવું પડશે. એટલે કે રૂ.80 હજારના તારે મને રૂ.3 લાખ આપવાના રહેશે.

નોટરી પર સહી કરાવી
જેથી દર મહિને 10 ટકા વ્યાજ થાય. વિશ્વાસે આ વાતનો વિરોધ કર્યો અને તેણે અત્યાર સુધી 36 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું છે. હવે ફક્ત મૂડીના રૂ.80 હજાર આપશે તેવી વાત કહી હતી. જેથી જગદીશ અને તેની સાથેના અન્ય અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ આવી વિશ્વાસને ધમકીઓ આપી હતી. ડરના કારણે તેણે નોટરી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી આપી હતી.

યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
જે સ્ટેમ્પમાં લખાણ હતું કે, તેણે જગદીશભાઈ પાસેથી રૂ.3 લાખ ઉછીના લીધા છે. આ સાથે ચેક પણ લઈ લીધો હતો. ધમકીઓથી ડરી ગયેલો વિશ્વાસ પોતાના વતન મોડાસા આવી ગયો હતો. છતાં ફોન પર ધમકીઓ અપાતી હોય તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વિશ્વાસના પિતાને જાણ થતા રૂ.30 હજાર જગદીશભાઈએ આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં નાખ્યા હતા અને રૂ.50 હજારનો ચેક રૂબરૂ આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા થતા જગદીશભાઈને તેની રકમ પણ મળી ગઈ છે.

ચેક રિટર્નનો કેસ કરવાની ધમકી
આમ છતાં રૂ.80 હજાર ચૂકવી દીધા બાદ પણ આરોપીએ લખી લીધેલું સ્ટેમ્પ પેપર અને ચેક પરત કર્યો નહોતો. વ્યાજખોર અવારનવાર રૂપિયાની માંગણી કરી ચેક રિટર્નનો કેસ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી બેંકમાં અરજી આપેલી કે, કોઈપણ વ્યક્તિ ચેક લઈને આવે તો વ્યવહાર કરવો નહીં અને અમારા એકાઉન્ટમાં ચેકથી પેમેન્ટ બંધ કરાવવા જણાવાયું હતું. વ્યાજ વટાવવા વાળા કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી નાખશે તેમ જણાવી વિશ્વાસે ન્યાયની આશા સાથે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જસદણ પોલીસે વિશ્વાસની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી જગદીશ વઘાસીયાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

(દિપક રવિયા,જસદણ)

અન્ય સમાચારો પણ છે...