ભાદરવો ભરપૂર:જસદણમાં મેઘરાજાની સટાસટી, ગાજવીજ સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ, ખોડલધામમાં વીજળીના કડાકાનો અદભુત નજારો

રાજકોટ4 મહિનો પહેલા
જસદણના જંગવડ ગામે ધોધમાર વરસાદ.
  • આટકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, ખેતરો પાણી પાણી થતાં ખેડૂતો આનંદમાં

રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ, કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે.

ખોડલધામમાં વીજળીનો અદભુત નજારો.
ખોડલધામમાં વીજળીનો અદભુત નજારો.
જસદણનાં ગામડાં પાણી પાણી.
જસદણનાં ગામડાં પાણી પાણી.

ભારે વરસાદથી જસદણ પંથક પાણી પાણી
જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ જેવો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયાં છે તેમજ રસ્તાઓ પર પાણી ભરાયેલાં નજરે પડ્યાં હતાં. ખેતરો પણ પાણી પાણી થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વીજળીના કડાકાભડાકા થતાં લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું હતું. હજુ પણ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જોવા મળી રહ્યાં છે. ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.

રસ્તા પર પાણી ભરાયાં.
રસ્તા પર પાણી ભરાયાં.
આટકોટમાં ભારે વરસાદ.
આટકોટમાં ભારે વરસાદ.

ખોડલધામ મંદિર ફરતે વીજનો ટંકાર
વીરપુર પાસેના યાત્રાધામ ખોડલધામ ખાતે વીજળીના કડાકાનો અદભુત નજારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી અગાહીને પગલે ગત સમી સાંજથી જ વીરપુર પંથકમાં વરસાદી માહોલ સાથે વીજળીના કડાકાભડાકા જોવા મળ્યા હતા, જેને લઈને લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક કાગવડ ખોડલધામ મંદિર પર વીજળીના કડાકાનાં અદભુત આકાશી દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.

જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર.
જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર.

ગોંડલમાં ધીમી ધારે વરસાદ
આજે સવારથી જ ગોંડલ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી છે. ગોંડલમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.

સવારથી જ વરસાદી માહોલ જામ્યો.
સવારથી જ વરસાદી માહોલ જામ્યો.

રાજકોટમાં ઝરમર વરસાદ
રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસવાનું શરું થયું છે. શહેરના મોરબી રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, આજીડેમ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે, આથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

જસદણના પાંચવડામાં ધોધમાર વરસાદ.
જસદણના પાંચવડામાં ધોધમાર વરસાદ.

રાજકોટનો આજી-2 ડેમ છલોછલ
રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ ભરાય ગયો છે. ઓવરફ્લો થવાની તૈયારીમાં હવે ગણતરીની કલાકો જ બાકી છે. કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ સુધી ભરાયો છે. આથી નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે.

ગોંડલમાં ધીમી ધારે વરસાદ.
ગોંડલમાં ધીમી ધારે વરસાદ.

વિરપુરમાં ધીમીધારે વરસાદ યાત્રાધામ વિરપુરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વિરપુરમાં સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જેમને લઈને કપાસ, મગફળી, સોયાબીન વગેરે પાક ઉપર જાણે કાચું સોનુ વરસ્યું હતું અને ખેડૂતોએ વાવેલા પાકોમાં પાણજોગો વરસાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને લઈને વિરપુરમાં માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમને કારણે જગતનો તાત પૂરજોગો ધોધમાર વરસાદ વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યો છે.

આટકોટમાં શેરીઓમાં પાણી ભરાયાં.
આટકોટમાં શેરીઓમાં પાણી ભરાયાં.

(કરસન બામટા, આટકોટ, દેવાંગ ભોજાણી, ગોંડલ, દીપક મોરબિયા, વીરપુર)