રાજકોટ ક્રાઇમ ન્યુઝ:જસદણમાં કમ્પાઉન્ડર તબીબ બની ઘરઘરાઉ દવાખાનુ ચલાવતો ઝડપાયો, આગની ઝાળે દાઝી જતા આધેડનું મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોગસ  તબીબ વિજય દવે - Divya Bhaskar
બોગસ તબીબ વિજય દવે

જસદણ તાલુકાના વિછીયાના ગોરેયા ગામથી એક બોગસ તબીબને રાજકોટ રૂલર એસોજી પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એસોજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,જસદણ તાલુકાના વીછીયાના ગોરેયા ગામમાં વિજય દવે નામનો વ્યક્તિ પોતે બોગસ તબીબ છે અને પોતાના રહેણાંક મકાનમાં જ દવાખાનું ચલાવે છે.

કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો
જેને પગલે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા અને વિજય દવેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ પૂર્વે તે જસદણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો અને ત્યાં દર્દીઓનું નિદાન કેમ કરવું તે જાણીને પોતે કોઈપણ ડિગ્રી વગર ઘરઘરાઉ દવાખાનુ ચલાવતો હતો. જેથી પોલીસે દવાઓનો જથ્થો અને અન્ય મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તથા આરોપી વિજય દવે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્પીડ બેકાર પણ ઘાતકી, મહિલા ઘાયલ
રાજકોટના હવે સ્પીડ બેકાર પણ ઘાતકી બની રહ્યા છે. જ્યાં એક મહિલા તેના મિત્ર સાથે રામવન ફરવા જઈ રહ્યા હતા. એ વખતે રસ્તા પર સ્પીડ બ્રેકર આવેલું હતું પરંતુ ત્યાં વ્હાઇટ પટ્ટો દોરેલો ન હોવાને કારણે બાઇક ઉછળ્યું હતું અને મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ તે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈથી રાજકોટ ફરવા આવેલા કામિનીબેન ભટ્ટી તેમના મિત્ર ચિરાગ રાઠોડ સાથે આજે બાઇકમાં રામવન ફરવા જતા હતા. એ સમયે બાઈક નોર્મલ સ્પીડમાં પસાર થઈ રહ્યું હતું. રસ્તા પર એક સ્પીડ બ્રેકર આવેલું હતું અને સ્પીડ બ્રેકર પર વ્હાઈટ પટ્ટા પણ દોરેલા ન હતા. જેને પગલે સ્પીડ બ્રેકર પરથી પસાર થતા બાઈક ઉછળ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો. જેમાં કામિનીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી હાલ તેઓ સારવાર હેઠળ છે.

મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

આગની ઝાળે દાઝી જતા આધેડનું મોત
જસદણમાં રહેતો રાજેશ જગદીશભાઈ ભટ્ટ નામનો 43 વર્ષના આધેડ પોતાના ઘરે પૂજા અર્ચના કરતો હતો. ત્યારે ધુપમાં ટરપેઇન્ટર નાખતા આગ ભભૂકી ઉઠી હતી. જે આગની ઝાળે આધેડ દાઝયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી છે.

અકસ્માતે વીજ કરંટ લાગતા વૃદ્ધનું મોત
જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા માણસુરભાઈ ચાંપરાજભાઈ (ઉ.વ.65) નામના વૃદ્ધને વાડીએ અકસ્માતે વિજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે. આજે સવારે માણસુરભાઈ પોતાની વાડીએ પાણી વાળવા જતા ઈલેકટ્રીક વાયરને અડી જતા વીજ કરંટ લાગી જવાથી તેનું સ્થળ પર મોત નિપજતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે જેતપુર સીવીલ હોસ્પીટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી હર્ષદ પરમાર
આરોપી હર્ષદ પરમાર

દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપી હર્ષદ પરમાર (ઉ.વ.26)ને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી પાડી આજી ડેમ પોલીસ ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નમાં જવાની વાત કરી યુવકે ગળેફાંસો ખાધો
રાજકોટ મોરબી રોડ પર રાધામીરા પાર્કમાં વિશાલ ખીમજીભાઈ બોડા (ઉ.વ.32) નામના પટેલ યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક વિશાલ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો તથા ચાંદીકામ કરતો હતો તથા સમાજમાં સામાજિક કાર્યકર પણ હતો. તેના મિત્ર સાથે ગત રાત્રે અંતિમ ફોન પર વાત કરી સવારના સમયે કોઈના લગ્નમાં જવાની વાત પણ કરી હતી. જો કે આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

બનેવીએ બહેનના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવતા સાળાએ હુમલો કર્યો
રામાપીર ચોક પાસે લોક બુદ્ધા હાઈટસમાં રહેતા દિનેશભાઈ નાથાભાઈ પરમાર (ઉ.વ.45) ગઈકાલે પારડી ગામે રહેતાં તેના સાળા ડાયાને ફોન કરી જણાવ્યું હતું કે તારી બેન આડા રસ્તે ચડી ગઈ છે જેથી તેનું ધ્યાન રાખજો કહેતાં બેનના ચારિત્ર્ય અંગે આંગળી ઉઠાવતા સમસમી ગયેલા ડાયાએ તેના અન્ય બનેવી પરેશને બોલાવી દિનેશભાઈને રાણીમાં રૂડીમાં ચોકમાં બોલાવી ઝઘડો કરી પાઈપથી હુમલો કરી નાસી છુટયા હતા. બનાવમાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયાં હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પિતાએ ફોન ખરીદવાની મનાઈ ફરમાવતા યુવતીએ ફીનાઈલ પીધૂ
ખોરાણામાં રહેતી અને રાજકોટની કુંડલીયા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને કોલેજથી ઘરે આવતા-જતા વ્હેલા મોડુ થતુ હોય જેથી મોબાઈલ લેવા માટે તેના પિતાને કહ્યું હતું કે, મારે આવવામાં મોડુ થાય તો હું પરિવારને જાણ કરી શકુ તેના માટે મને ફોન લઈ દયો. જેથી તેના પિતાએ હમણા નહી થોડા સમય પછી તેને મોબાઈલ લઈ દેશું તેવુ કહેતા તેનું માઠુ લાગી આવતા પુજાએ ફીનાઈલ પી લેતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી જેથી નિવેદન નોંધી કુવાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી દિનેશ ઉર્ફે દીનો ઉર્ફે બાબરી રીબડીયા
આરોપી દિનેશ ઉર્ફે દીનો ઉર્ફે બાબરી રીબડીયા

13 જેટલા ચોરાઉ મોબાઈલ સાથે આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ ચોરીના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેની સામે આજે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 મોબાઇલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આજે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી દિનેશ ઉર્ફે દીનો ઉર્ફે બાબરી રીબડીયાની ધરપકડ કરી તેની પાસેથી 13 ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન અને ચોરી સહિતના ગુનામાં રાજકોટ અને ચોટીલામાં કુલ 7 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..