રાજકોટ શહેરમાં તહેવારો નજીક આવતા કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. આજે એક જ દિવસમાં 84 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જ્યારે 33ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 263 થઈ છે. જ્યારે કુલ કેસની સંખ્યા 64664 પર પહોંચી છે.
રાજકોટ શહેરના હુડકો વિસ્તારમાં મંગળવારે એકસાથે 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મારુતિનગર, માધવ રેસિડેન્સી, ગ્રીનપાર્ક, રામનગર, ગોવિંદનગર, રાજલક્ષ્મી સોસાયટી સહિતનો વિસ્તારનો સમાવેશ થાય છે. 14 વર્ષની એક કિશોરી પણ સંક્રમિત બની છે. જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં 10 વર્ષના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વોર્ડ નં.1માં ગાંધીગ્રામ, રૈયાધાર, બજરંગવાડી, અમૃત પાર્ક સહિતના વિસ્તારોમાંથી 6 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે વોર્ડ નં. 8માંથી ભક્તિધામ સોસાયટી, નારાયણનગર, શિવસંગમ સોસાયટીમાંથી 5 કેસ આવ્યા છે. જેમાં 11 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 354 દર્દી
શહેરના 22 આરોગ્ય કેન્દ્રમાં OPD ચાલે છે, જેના આંક મુજબ સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 354 દર્દી આવ્યા છે. જ્યારે સામાન્ય તાવના 82 અને ઝાડા-ઊલટીના 94 દર્દી નોંધાયા છે. આ સિવાય ટાઈફોઈડ, કમળો અને મરડાના રોગ પર પણ નજર રખાય છે. જોકે તંત્રના ચોપડા મુજબ છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રણેયનો એક પણ કેસ મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવ્યો નથી.
7 દિવસમાં મચ્છરજન્ય રોગના 6 કેસ, 723ને નોટિસ
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગની સંખ્યા વધી રહી છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં 25થી 31 જુલાઈ દરમિયાન ડેન્ગ્યુના 3, મલેરિયાનો 1 અને ચિકનગુનિયાના 2 કેસ આવ્યા છે. આ સાથે વર્ષ દરમિયાન આ રોગોની કુલ સંખ્યા અનુક્રમે 26, 14 અને 12 થઈ છે. 723 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારાઈ છે. વરસાદ થંભી ગયા બાદ મચ્છરોના બ્રીડિંગ માટે યોગ્ય વાતાવરણ થઈ રહ્યું હોવાથી સંખ્યા વધી રહી છે અને જન્માષ્ટમી બાદ કે જ્યારે ચોમાસું પૂરું થઈ જશે ત્યારે આ કેસ હજુ પણ વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.