હાઇ-વે પર થતા અકસ્માતો નિવારણ અને ગંભીર અકસ્માતો અટકાવી બહુમૂલ્ય જિંદગી બચાવવાના ઉદેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી કમિટી કાર્યરત છે. જેના નેજા હેઠળ રાજ્યમાં જિલ્લા અને શહેરમાં રોડ સેફ્ટી કમિટી કાર્યરત હોય છે. રાજકોટ સિટી રોડ સેફ્ટી કમિટીની નેશનલ હાઈ-વે, પાલિકા, આર.એન્ડ.બી. સહિત વિવિધ વિભાગોની કામગીરીની નોંધ લેવામાં આવી છે. વાહન અકસ્માતો નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી બદલ ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ વર્ષ 2020-21 હેઠળ સમગ્ર રાજ્યમાં રાજકોટ ત્રીજા સ્થાને વિજેતા જાહેર કરાયું હતું.
એલ.એન.ટી. તેમની કામગીરી બદલ દ્વિતીય સ્થાને વિજેતા
હાલમાં જ યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના હસ્તે રાજકોટ શહેર પોલીસ કમિશનરને એવોર્ડ આપી કમિટીની કામગીરીને પ્રોત્સાહિત કરી હતી. આ સાથે સ્વૈચ્છિક કામગીરી કેટેગરીમાં રાજકોટના નિવૃત્ત આર.ટી.ઓ. અધિકારી જે.વી. શાહને માર્ગ સલામતી જાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ પ્રથમ સ્થાને વિજેતા થવા બદલ સન્માન કરાયું હતું. જ્યારે સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થા કેટેગરીમાં એલ.એન.ટી.ને તેમની કામગીરી બદલ દ્વિતીય સ્થાને વિજેતા જાહેર કરાઇ છે.
રાજકોટ સિટી રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી
રાજકોટ ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં આજ રોજ સિટી રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. શહેર અને હાઇવે પરના 30 જેટલા અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ ઝોનમાં ટૂંકા ગાળામાં કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નેશનલ હાઈ-વે, આર.એમ.સી. નગરપાલિકાઓ દ્વારા રોડ-રસ્તા પર મુકવામાં આવતા વિવિધ સાઈન બોર્ડ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર અને કેટ આઈ મુકવાની ટૂંકા ગાળાની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. જેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2030 સુધીમાં ગંભીર અકસ્માતો ઘટે તે દિશામાં આયોજન
આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રોડ સેફ્ટી કમિટીનો મુખ્ય ઉદેશ ગંભીર પ્રકારના અકસ્માતો નિવારી અમૂલ્ય માનવ જિંદગી બચાવવી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં ગંભીર અકસ્માતો ઘટે તે દિશામાં આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શિદ અહમદે ઉપસ્થિત એજન્સીઓને બાકીની કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો કરવામાં આવ્યા હતાં. મિટિંગમાં બ્રિજ નિર્માણની કામગીરીને ધ્યાને લઈ ડાયવર્ઝન કરાયેલા રસ્તાઓ પરના દબાણો દૂર કરવા, શહેરમાં પાર્કિંગ સ્પેસ વધારવા, સિગ્નલ આસપાસના ઝાડની ડાળીઓના કટિંગ તેમજ બેનર્સ દૂર કરવા સહિતના મુદ્દે કમિશનર અરોરાના માર્ગદર્શન હેઠળ ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.