રાજકોટના 42 કેન્દ્ર અને 491 બ્લોક પર રવિવારે જીપીએસસીની વર્ગ-1 અને 2ની પ્રિલિમ્સ પરીક્ષા લેવાઇ હતી. બે સેશનમાં લેવાયેલી આ પરીક્ષામાં કુલ 9621 ઉમેદવારમાંથી સવારે 10થી 1ના પહેલા સેશનમાં 4307 ઉમેદવાર હાજર રહ્યા હતા અને 5314 ગેરહાજર, જ્યારે બપોરે 3થી 6ના સેશનમાં 4247 ઉમેદવારો હાજર અને 5374 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
આમ બંને સેશનમાં એકંદરે 5300થી વધુ ઉમેદવારો ગેરહાજર હતા. શહેરની કે.જી. ધોળકિયા સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી મોબાઈલ લઇ આવેલો પકડાયો હતો. બંને સેશનના પેપર પૈકી સવારના સેશનનું પેપર-1માં બૌદ્ધિક ક્ષમતાના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા જ્યારે પેપર-2માં કરંટ અફેર્સ અને ભૂગોળ સરળ હોવાથી બીજું પેપર સહેલું લાગ્યું હતું.
પેપરનું લેવલ સહેલું, મેરિટ 120થી 140 રહેવાની સંભાવના
GPSC દ્વારા 2017થી લેવાયેલ પરીક્ષાઓ કરતા 2023નું રવિવારના પેપરનું લેવલ સહેલું ગણી શકાય. આ પેપરોમાં ફેક્ચ્યુઅલ માહિતી સાથે મુદ્દાઓની ઊંડી સમજ જેવા બંને પ્રકારના પ્રશ્નો હતા. પહેલા પેપરમાં બંધારણ , ઇતિહાસના પ્રશ્નો થોડા સહેલા હતા.
અને તે જ પેપરમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના પ્રશ્નો ઉમેદવારોને મૂંઝવણમાં નાખે તેવા હતા. પેપર-2માં કરંટ અફેર્સ તથા ભૂગોળના પ્રશ્નો થોડા સહેલા હતા. પેપરના આધારે તેના મેરિટની વાત કરીએ તો આ પેપરનું મેરિટ એકંદરે 120થી 140 વચ્ચે રહેવાની શક્યતા છે. > ધવલ મારૂ, સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત ફેકલ્ટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.