પુનઃમિલન કરાવ્યું:ગોંડલમાં પત્નીએ સાસરે જવાની મનાઈ કરતા પતિ બાળકને લઈને જતો રહ્યો, 181 અભયમે દંપતીને એક કર્યું

ગોંડલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગઈકાલે 'મધર્સ ડે'ના દિવસે 181 અભયમની ટીમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું

મહિલાઓને મદદ માટે હંમેશા કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમે ગોંડલમાં 'મધર્સ ડે'ના દિવસે દંપતી વચ્ચે સમાધાન કરાવી બાળક સાથે માતાનું પુનઃમિલન કરાવ્યું હતું.

પરિણીતા પિયરમાં છેલ્લાં 10 દિવસથી આવી હતી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.8-5-2022ના રોજ 'મધર્સ ડે'ના દિવસે ગોંડલ તાલુકામાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક પરિણીતાનો કોલ આવેલ કે 'તેના બાળકને લઈને પતિ જતા રહ્યા છે'. જેથી તુરંત ગોંડલ પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પરિણીતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે, તેના લગ્નને 16 વર્ષ થયા છે અને તેને ત્રણ બાળકો છે. તેનું સાસરું સુરેન્દ્રનગર જિલ્લામાં છે અને તેના પતિના વ્યસનના કારણે અવાર-નવાર નાની મોટી બાબતોમાં થતા ઝઘડાથી કંટાળીને બાળકો સાથે પિયરમાં છેલ્લાં 10 દિવસથી આવી હતી.

બંન્ને પક્ષોનું કાઉન્સિલિંગ કર્યું
જેથી ગઈકાલે તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવ્યા હતા પરંતુ વારંવાર થતા ઝઘડાઓથી કંટાળી પરિણીતા સાસરીમાં પાછા જવા માંગતા ન હતા. તેથી તેના પતિ તેની સાથે બાળકોને લઈને જતા રહ્યા હતા. જેને પગલે અભયમની ટીમે પરિણીતાને આશ્વાસન આપી, તેના પતિનો કોન્ટેક્ટ કર્યો તો જાણવા મળ્યું કે તેઓ ગોંડલ બસ સ્ટેન્ડ પર છે અને સુરેન્દ્રનગર જવાની બસની રાહ જુવે છે.જેથી અભયમની ટીમ દ્વારા તેના પતિને અટકાવીને પતિ તથા પત્નીને સાથે બેસાડી બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કર્યું હતું. અને નાના બાળક તથા ઘરમાં થતાં નાના-મોટા ઝગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવ્યું હતું.