કાર્યવાહી:ગોંડલમાં બહેને 2 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી બે યુવાને બહેનનું ઘર સળગાવ્યું, સાસુ-સસરાને માર માર્યો

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ - Divya Bhaskar
ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ
  • બંને ભાઈઓએ બહેનના પતિને પણ ઢોર માર માર્યો હતો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઓનર કિલિંગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર પ્રેમલગ્ન કરનાર બહેનના ઘરને બે યુવાનોએ નિશાન બનાવી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા બહેનનું ઘર ભડભડ સળગી ઉઠ્યું હતું. આ સાથે જ બંને યુવાનોએ બહેનના સાસુને છરી મારી સસરાને પણ માર માર્યો હતો.

ભાઈએ બહેનના સાસુને હાથમાં છરી મારી
મળતી વિગત મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર પંચ પીરની દરગાહ પાસે રહેતા જીતુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર દિનેશે બે વર્ષ પહેલા પાડોશમાં જ રહેતા મનસુખભાઇ ટપુભાઈ સોલંકીની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતાં. જેનો ખાર રાખી મનીષાના બંને ભાઈ મંગલ અને મનસુખ, તેમજ સુનિલ મનસુખભાઈ સોલંકી ઝઘડો કરવાના ઈરાદે લોખંડના પાઈપ અને છરી સાથે ધસી આવી બોલાચાલી કરી મારામારી કરી હતી. બહેનના સાસુ ગીતાબેનના હાથમાં છરી મારી હતી અને જીતુભાઈને ઢોર માર મારતા બંને પતિ-પત્ની ઘરની બહાર નીકળી ગયા હતાં. તેમ છતાં પણ આ શખ્સોને સંતોષ ન થતાં બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ છાટી આંગ ચાંપી દીધી હતી.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આગ લાગતા ઘર સળગી ગયું હતું. જેમાં ઘરની તમામ ઘરવખરી અને સુરતથી લાવેલો કાપડનો માલ સામાન બળીને ખાખ થઇ જતા આશરે પાંચ લાખનું નુકસાન થયું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 436 427 323 452 114 294 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(હિમાંશુ પુરોહિત-ગોંડલ)