ગોંડલના પોશ ગણાતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા છ માસથી ધમધમી રહેલા કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડી દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી રાજકોટ અને કલકત્તાની બે યુવતીને મુક્ત કરાવી હતી. તેમજ કૂટણખાનું ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ અને કલકત્તાની યુવતીને મુક્ત કરાવી
સ્ટેશન પ્લોટમાં કૂટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાની સૂચનાથી સ્ટેશન પ્લોટ શેરી નં. 4માં ચંદ્રિકા રમેશભાઈ ગોઢકિયાવાળીનાં ભાડાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતા કૂટણખાનું ઝડપાયું હતું. અહીં રાજકોટ અને કલકત્તાની બે યુવતીઓને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હોય બન્ને યુવતીઓને મુક્ત કરાવી ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંકની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ચિરાગ દિવસ દરમિયાન 5-7 ગ્રાહકો શોધી લાવતો
દેહવિક્રયના ધંધા માટે ભાડે રાખવામાં આવેલા મકાન સચિન મનસુખભાઈ પીઠવાની માલિકીનું હોય પોલીસે તેને પણ બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સ્ટેશન પ્લોટની જે શેરીમાંથી કૂટણખાનું ઝડપાયું ત્યાં 1500-2000 રૂપિયામાં પણ કોઈ મકાન ભાડે રાખતું નથી ત્યાં ઊંચા ભાવે આ મકાન ભાડે આપવામાં આવ્યું હોવાની પણ લોકોમાં ચર્ચા થવા લાગી હતી. દેહવિક્રયના ધંધામાંથી મુક્ત થયેલી યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૂપિયા આપતી હતી. દિસ દરમિયાન પાંચથી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.