તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણતા:ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો, પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલ5 મહિનો પહેલા
મૃતક દંપતીની ફાઇલ તસવીર.
  • ગોંડલમાં શનિ-રવિમાં કોરોનાથી 8 વ્યક્તિનાં મોત નીપજ્યાં

ગોંડલ શહેર અને પંથકમાં કોરોના જેટ ગતિએ આગળ વધવાની સાથે માનવ જિંદગી પણ ટપોટપ હોમાઈ રહી છે. શુક્રવારના ત્રણ વ્યક્તિઓના મોત બાદ શનિ અને રવિમાં પણ કોરોનાથી છ વ્યક્તિનાં મોત નીપજતાં શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે એક જ દિવસના અંતરે એક દંપતીને કોરોના ભરખી જતા તેના પુત્ર-પુત્રી નોધારા બન્યા છે અને માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે.

પતિ-પત્નીએ એક દિવસના અંતરે અનંતની વાટ પકડી
ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમના પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયા હતા. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો થતા જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. અહીં શનિવારના વસંતબેનનું નિધન થયું હતું અને જીતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતા પુત્ર-પુત્રીએ માતાપિતાની છત્રછાંયા ગુમાવતા ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

ગોંડલમાં શનિ-રવિમાં 8નાં મોત થયાં.
ગોંડલમાં શનિ-રવિમાં 8નાં મોત થયાં.

ગોંડલમાં કોરોનાગ્રસ્ત 8 મૃતદેહના અંતિમસંસ્કાર કરાયા
ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ ખાતે શનિ અને રવિવારના કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો સરકારી ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં પહોંચ્યા હતા. શનિવારના ધનીબેન મલાભાઇ પરમાર (ઉં.વ. 58), પરસોત્તમભાઈ ભાણાભાઈ વેકરીયા (ઉં.વ.84), બાબુભાઈ વાલજીભાઈ જાડેજા (ઉં.વ.85), દક્ષાબેન કિશોરભાઈ ચાવડીયા (ઉં.વ.43) અને રવિવારે નર્મદાબેન નૈનસુખભાઈ કથિરીયા (ઉં.વ. 65) અને નર્મદાબેન નટવરલાલ ખંભાયતા (ઉં.વ.76)નું નિધન થતા અંતિમવિધિ કરવામાં આવી હતી.

બે કલાક સુધી સારવારમાં ન લઇ જવાતા દર્દીએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.

રાજકોટમાં વૃદ્ધ દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત.
રાજકોટમાં વૃદ્ધ દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત.

સ્ટ્રેચર આવતાં જ દર્દીનું મોત નીપજ્યું
આ વાઇરલ વીડિયો રાજકોટની સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો છે. સમરસ હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નહોતા. બાદમાં આ દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશો તેની દરકાર પણ કરતા નહોતા. અંતે સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લઇ પણ લીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે પરંતુ દર્દીએ અનંતની વાટ પકડી લીધી હતી.

ગ્રામ્યમાં છેલ્લા 15 દિવસમાં સરકારી ચોપડે નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા

તારીખકેસ
27 માર્ચ27
28 માર્ચ38
29 માર્ચ44
30 માર્ચ43
31 માર્ચ36
1 એપ્રિલ44
2 એપ્રિલ45
3 એપ્રિલ41
4 એપ્રિલ43
5 એપ્રિલ28
6 એપ્રિલ64
7 એપ્રિલ95
8 એપ્રિલ93
9 એપ્રિલ70
10 એપ્રિલ67

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)