રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:ગોંડલમાં માત્ર 100 રૂપિયા ન આપતા એક યુવાને બીજાના ગળા પર છરી ફેરવી, લોહીલૂહાણ થતા હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • માંડવી ચોકમાં બોલાચાલીથી થયેલો ઝઘડો ગોંડલી નદીની બેઠી ધાબી સુધી પહોંચ્યો હતો

ગોંડલમાં શુક્રવારે સાંજે 8 વાગ્યે માંડવી ચોકમાં બે યુવાનો વચ્ચે માત્ર સો રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો ગોંડલી નદીની બેઠી ધાબી સુધી પહોંચ્યા બાદ એક શખસે યુવાનના ગળા પર છરીનો ઘા મારી દેતા તેને સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

યુવાન બે મિત્ર સાથે દુકાને બેઠો હતો
ગોંડલના માંડવી ચોકમાં રહી છૂટક મજૂરી કામ કરતા પરેશ છગનભાઈ દુધરેજીયા (ઉં.વ. 40) તેના મિત્ર જગદીશભાઈ તેમજ અન્ય બે મિત્રો માંડવી ચોકમાં સાડીની દુકાન પાસે બેઠા હતા. ત્યારે રમણીક પરમાર નામનો શખસ ધસી આવ્યો હતો અને પરેશ પાસે રૂપિયા 100ની માગણી કરી હતી. પરેશ રૂપિયા 100 આપવાની ના કહેતા ગાળો ભાંડવા લાગ્યો હતો બાદમાં બન્ને વચ્ચેનો ઝઘડો ગોંડલી નદીની બેઠી ધાબી સુધી પહોંચ્યો હતો. ત્યાં પણ પરેશે રૂપિયા આપવાની ના પાડતા રમણીકે ઉશ્કેરાય જઇ પોતાની પાસે રહેલી છરી કાઢી પરેશનાં ગળાના ભાગે ઘા મારી દેતા ગંભીર રીતે ઘવાતા પરેશ માંડવી ચોકમાં દોડી ગયો હતો.

યુવાનને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયો
માંડવી ચોકમાં લોકોના ટોળાએ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ 307, 504, 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પરેશ દુધરેજીયાએ પોલીસને જણાવ્યું હતું કે, તે માંડવી ચોકમાં એકલો રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેનો પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની, બે સંતાનોને લઈ માવતરે છ મહિનાથી રિસામણે ગઈ છે અને તેઓ રાજકોટ સાંઢિયા પુલ પાસે રહે છે. બનાવની જાણ થતા પરેશની પત્ની અને સગાવ્હાલાઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. બનાવ અંગેની તપાસ PSI માંઢકે હાથ ધરી હતી.