ક્રાઇમ:ગોંડલમાં યુવતીને લગ્નની લાલચ આપી યુવાને સોમનાથ, ચોટીલાની હોટલમાં વારંવાર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનતા દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમનાથની રાજ પેલેસ હોટલ, ચોટીલાની અશ્વમેઘ હોટલમાં મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા

ગોંડલ તાલુકાના વસાવડ ગામની યુવતીને ઘોઘાવદરના શખસે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સોમનાથ, ચોટીલા ફરવા લઈ જઇ હોટલમાં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ગર્ભપાતની દવાઓ પીવડાવી ગર્ભપાત કરાવી તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઇન્દિરા આવાસ પાસે રહેતી 30 વર્ષીય યુવતીએ ઘોઘાવદર ગામે રહેતા ધવલ રમેશભાઈ ધડુક નામના યુવાન વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 376 તથા એટ્રોસિટી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કાગળોમાં સહી કરાવી લગ્ન થઈ ગયાનું જણાવ્યું
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધવલે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પ્રથમ સોમનાથ ફરવા લઈ ગયેલો હતો. અહીં હોટેલ રાજ પેલેસ બાદ ચોટીલા અશ્વમેઘ નામના ગેસ્ટ હાઉસમાં મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રાજકોટ કોર્ટમાં લઈ જઈ કાગળોમાં સહી કરાવી ફોટા પડાવી લગ્ન થઈ ગયાનું જણાવ્યું હતું.

ગર્ભપાતની દવાઓ પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, અમે બન્ને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. અને ત્યારપછી પણ મારી મરજી વિરુદ્ધ તેણે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જેને પરિણામેં હું ગર્ભવતી બની હતી. આ વાતની જાણ ધવલને કરતા તેણે મને ગર્ભપાતની દવાઓ પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ ઘટના બન્યા બાદ ધવલે મને તરછોડી દીધી હતી. તેથી મારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.

( હિમાંશુ પુરોહિત, ગોંડલ )

અન્ય સમાચારો પણ છે...