હિટ એન્ડ રનની બે ઘટના:ગોંડલમાં અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લઈ ઢસડ્યું, માતાની નજર સામે 2 વર્ષની પુત્રીનું મોત, ટાટા સુમોએ વૃદ્ધને ફંગોળતા મોત

ગોંડલ21 દિવસ પહેલા
અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને અડફેટે લઇ ઢસડ્યું હતું.
  • ઉદ્યોગ ભારતી પાસે ટાટા સુમોના ચાલકે વૃદ્ધને કચડ્યા
  • પોસ્ટ ઓફિસ પાસે અજાણ્યા વાહને બે વર્ષની બાળાને કચડી

ગોંડલ શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા દૂર થવાનું નામ લઈ રહી નથી. ત્યારે શહેરના ઉદ્યોગ ભારતી ચોક નજીક અને મોટી પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની બે ઘટનામાં બે માનવ જિંદગી હોમાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોસ્ટ ઓફિસ પાસે અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લઇ ઢસડતા માતાની નજર સામે બે વર્ષની પુત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઉદ્યોગભારતી ચોક પાસે ટાટા સુમોના ચાલકે વૃદ્ધને કચડ્યા હતા.

વૃદ્ધ દર્શન કરી હવેલીમાંથી બહાર નીકળ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ શહેરના જેતપુર રોડ પર રાજનગરમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા મનસુખભાઈ ગોબરભાઇ બેલડીયા (ઉં.વ.65) ઉદ્યોગ ભારતી ચોકમાં આવેલી હવેલીએ દર્શન કરી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે ટાટા સુમો નં. GJ-03-LR-3328ના ચાલક મનન રશ્મિભાઈ કોઠારીએ અડફેટે લેતા મનસુખભાઈનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

ટાટા સુમોએ વૃદ્ધને કચડ્યા હતા.
ટાટા સુમોએ વૃદ્ધને કચડ્યા હતા.

પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે વર્ષની બાળકીનું મોત
જ્યારે બીજી હિટ એન્ડ રનની ઘટના દેવપરા હેડ પોસ્ટ ઓફિસ પાસે બની હતી. જેમાં બે વર્ષની બાળકી અને તેની માતા એક્ટિવામાં બેસી પસાર થઇ રહ્યા હતા. ત્યારે માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતા બે વર્ષની બાળા ધ્યાની પિયુષભાઈ ડોબરીયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

માતા ધ્યાનીને લઈ દૂધ લેવા નીકળ્યા હતા
મૃતક ધ્યાની અને તેની માતા એક્ટિવા લઈ દૂધ લેવા નીકળ્યા હતા. ત્યારે પોસ્ટ ઓફિસ પાસે જ અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લીધી હતી. જેમાં ધ્યાનીનું મોત નીપજ્યું હતું અને માતાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ધ્યાનીના પિતા પિયુષભાઈ લક્ષ્મી ગાંઠિયા નામની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.