અધિકારીઓની બેદરકારી:ગોકુલનગરમાં ચેકિંગ જ ન થતા ‘મામા’ જેવા અસામાજિકોએ 64 ફ્લેટ જર્જરિત કરી નાખ્યા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાના લાખો રૂપિયાનું નુકસાન થયું, હવે સફાઈ માટે ખર્ચ થશે
  • પાંચ વર્ષમાં એકપણ વખત અધિકારીઓ ન ફરકતા 68 ફ્લેટમાં જામતા હતા અડ્ડા

શહેરના ઉપલાકાંઠે સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં મનપાના આવાસના તાળાં તોડીને રાજકીય વગ ધરાવતા ‘મામા’એ તાળાં તોડીને ભાડે ચડાવી દીધા હતા અને આ ખંધાઈની કમાણીનો વહીવટ કરવા માટે ‘રાણો’ નામનો તેમનો સાગરીત રાખ્યો હતો. જ્યારે દિવ્ય ભાસ્કરે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા અસામાજિક તત્ત્વોએ દોડાદોડી કરી છે. પણ, આ કૌભાંડમાં મનપાના અધિકારીઓની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે.

આવાસ યોજના 2014માં બનીને તૈયાર થઈ ત્યારે ત્યાં બે વિંગ ઈ અને એફના 64 ફ્લેટ તેમજ જી વિંગના 50 ફ્લેટ ફાળવવાના બાકી હતા. બીજી વખત 50નો ડ્રો થયો ત્યારબાદ પણ 68 ફ્લેટ ખાલી હતા. જો કે 68 ફ્લેટ કે જે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયા છે છતાં તે ફ્લેટ અથવા તો બીજા ફ્લેટમાં કોઇ ચેકિંગ જ કરાયું ન હતું. જેનો લાભ લઈને મામા જેવા અસામાજિક તત્ત્વોએ ફ્લેટ પર કબજો કરવાનું શરૂ કરી દીધું હતું. સૌથી ખરાબ હાલ ઈ અને એફ વિંગની થઈ હતી જેમાં દરવાજાના તાળાં જ નહિ પણ દરવાજા પણ તોડીને અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવતા હતા અને તેને કારણે તમામ ફ્લેટ જર્જરિત અને ગંદકી ભર્યા છે. મનપાની ટીમ તપાસમાં ગઈ તો ફ્લેટ પાસે ઊભી પણ રહી શકતી ન હતી. જે સ્પષ્ટ કરે છે કે મનપા આ ફ્લેટ બનાવીને જાણે ભૂલી ગઈ હતી.

મિલકતોની જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યા અધિકારીઓ
ગોકુલનગર આવાસ યોજના કે જે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે બની હતી તે રાજીવ આવાસ યોજના સ્કીમ હેઠળ આવે છે. જેમાં સમયાંતરે આવાસની તપાસ કરીને ખરેખર લાભાર્થી જ રહે છે કે કેમ તેની ખરાઈ કરવાની હોય છે પણ મનપાના અંધેર તંત્રએ તે ખરાઈ કરવાની તો દૂર પોતાના જ 68 ખાલી ફ્લેટ કેવી હાલતમાં છે તે જોવાની પણ તસ્દી લીધી નથી જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ કારણે સમગ્ર ગોકુલનગર આવાસ કૌભાંડમાં સૌથી મોટું કારણ અધિકારીઓની બેજવાબદારી છે.

અન્ય સમાચારો પણ છે...