આપઘાતના બે બનાવ:રાજકોટના ગણેશનગરમાં કોરોનામાં ધંધો પડી ભાંગતા કારખાનેદારે ઝેરી દવા પીધી, ઇશ્વરિયા ફાટક પાસે મુંબઇથી આવેલા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારખાનેદારના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. - Divya Bhaskar
કારખાનેદારના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
  • કારખાનેદારના ચાર વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા મુંબઇનો યુવાન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

રાજકોટની કોઠારિયા ચોકડી પાસે જૂના ગણેશનગરમાં રહેતાં કારખાનેદાર કેતનભાઇ બોદરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક દોઢ વર્ષમાં કોરોનાને કારણે ધંધામાં મંદી હોવાથી આર્થિક ભીંસ ઉભી થતાં અને દેણું થઇ જતાં કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં ઇશ્વરિયા ફાટક પાસે મુંબઇથી રાજકોટ મોટા પપ્પાના ઘરે આવેલા 21 વર્ષીય જીતેન્દ્ર વેગડાએ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે.

ગણેશનગરના કારખાનેદારે કારખાનામાં જ ઝેરી દવા પીધી
કોઠારિયાના જૂના ગણેશનગરમાં રહેતાં કેતનભાઇ કેશુભાઇ બોદર (ઉ.વ.30) નામના યુવાને સોરઠીયા વાડી 11ના ખુણે પટેલનગરમાં આવેલા પોતાના હીના ટાઇમ્સ નામના કારખાનામાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિાયન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત થયો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કેતનભાઇ એક બહેનથી નાનો હતો. તેના ચાર વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતાં. તેના પિતા કેશુભાઇ પણ તેની સાથે કારખાનામાં બેસે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢેક વર્ષમાં કોરોનાને કારણે ધંધામાં મંદી આવી ગઇ હોઇ અને દેણું થઇ ગયું હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ છે.

કારખાનેદારના આપઘાત કેસમાં ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).
કારખાનેદારના આપઘાત કેસમાં ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).

મુંબઇથી આવેલો યુવાન 10 દિવસથી મોટા પપ્પાના ઘરે હતો
જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં પોતાના મોટા પપ્પાના ઘરે 10 દિવસથી મુંબઇથી જીતેન્દ્ર રાજેશભાઇ વેગડા આંટો મારવા આવ્યો હતો. ગઇકાલે સાંજે માધાપરથી ઇશ્વરિયા ફાટક નજીક ગુડ્ઝ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતા રેલવે પોલીસના શક્તિસિંહ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મોબાઇલ ફોન મળતાં તેમાં છેલ્લો નંબર સાંજે સવા ચારેક વાગ્યે નરેન્દ્રભાઇ વેગડાને ડાયલ કરેલો હોવાથી પોલીસે એ નંબર પર કોલ કરતાં નરેન્દ્રભાઇએ જે યુવાનનો મોબાઇલ છે તે પોતાના મુંબઇ રહેતાં નાના ભાઇ રાજેશભાઇ વેગડાનો પુત્ર જીતેન્દ્ર હોવાનું કહ્યું હતું. તેમણે સ્થળ પર પહોંચી મૃતદેહ ઓળખ્યો હતો.

યુવાન એક બહેનથી મોટો અને અપરિણીત હતો
જીતેન્દ્ર એક બહેનથી મોટો અને અપરિણીત હતો. તે ક્રેડિટ કાર્ડનું અને એકાઉન્ટનું કામ કરતો હતો. તેના માતા-પિતા મુંબઇ રહે છે. પિતા મેરેજ બ્યૂરો ચલાવે છે. જીતેન્દ્ર દસેક દિવસ પહેલા મુંબઇથી રાજકોટ મોટા પપ્પાના ઘરે આવ્યો હતો. અહીંથી ગત સાંજે તે આંટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ સાંજે આ પગલું ભરી લીધું હતું. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને એકના એક દીકરાના આ પગલાથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. તેઓ મુંબઇથી રાજકોટ આવવા રવાના થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...