રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા યુવકે જંતુનાશક પાવડર ગટગટાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવકે ગઇકાલે રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય શાળા નજીક જંતુ નાશક પાવડર પી લીધો હતો જેની ઝેરી અસર થતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવક ત્રણ ભાઈ એક બહેનમાં મોટો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાની કેન્સરની બિમારીના ઈલાજ માટે તેણે રૂ. 5 લાખ વ્યાજે લીધા હતા. જે વ્યાજે લીધેલા રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા હોવા છતાં અલ્પેશ રજપૂત, ભુપત આહિર અને કાના આહિર નામના ત્રણેય વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી સ્કૂટર પણ પડાવી લઈ ધાક ધમકી આપતા હોવાથી યુવકે પાઉડર પી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઓટોમોબાઇલના શોરૂમમાં ચોરી કરનાર 2 સગીર ઝડપાયા
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલ આન ઓટોમોબાઇલ નામના શોરૂમમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાના ગુનામાં પોલીસે બે સગીર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ 3 મોટરસાયકલ, 1 ટેબ્લેટ અને 4 નંગ બેટરી મળી કુલ 1.79 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરાઉ વાહનો કબ્જે
ચોરાઉ વાહનો કબ્જે

આર્થીક ભીસથી કંટાળી યુવકે કારખાનામાં ગળેફાંસો ખાધો
કોઠારીયા મેઈન રોડ પર જે કે પાર્કમાં રહેતા અને કિશાન ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં જય ગુરુદેવ નામે કારખાનુ ધરાવતા લાલજીભાઈ વિઠ્ઠલભાઈ પઢારા (ઉ.વ.35) નામના કારખાનેદાર યુવાને પોતાના જ કારખાનામાં લોખંડના એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો લાલજીભાઈ રાત્રે ઘરે પરત નહી આવતા મોટાભાઈ તપાસ કરવા માટે કારખાને પહોંચ્યા હતા ત્યાં ડેલો બંધ હોય ખખડાવવા છતાં ડેલો નહી ખોલતા કારીગરોને બોલાવી પતરા ઉપર ચઢાવી પતરુ ઉચકાવીને જોતા લાલજીભાઈનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક લાલજીભાઈ બે ભાઈમાં નાના હોવાનુ અને સીલાઈ મશીનના પાર્ટસ બનાવવાનુ કારખાનુ ધરાવતા હોવાનુ જાણવા મળ્યુ છે. છેલ્લા ઘણા સમયથી કામ ધંધો બરાબર ચાલતો ન હોય થોડા દિવસથી કારખાનુ બંધ હતુ જેથી આર્થીક ભીસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

શહેરમાં 'તું અનાથ છો કહી' પતિ સહિતના સાસરિયાએ ત્રાસ ગુજાર્યો
રાજકોટની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ અમિતને અગાઉની પત્ની સાથે મનમેળ ન થતા તેની સાથે છૂટાછેડા લઇ 2021માં તેની સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ પતિ શંકાઓ કરી ઘર બહાર નીકળવાની મનાઈ કરતો હોય તેમજ પિયરે પણ જવાની ના પાડતા હોય તથા સાસુ અને સસરા ઝઘડાઓ કરી તારા માતા પિતા અહિયાં આવવા જોઈએ નહિ અને તેની સાથે વાત પણ નહિ કરવાની અને તેને બોલાવવાના પણ નહી તું અનાથ છો કહી ત્રાસ આપતા હોય તેમજ જેઠાણી ઘરમાં કોઈ હક હિસ્સો નહી મળે તારો ઘરવાળો કઈ કમાતો નથી દરમ્યાન તે પ્રેગ્નેટ હોય પતિએ મારકૂટ કરી કાઢી મુકતા હું મારા પિયર જતી રહેલ અને મારે પુત્રીનો જન્મ થતા પતિ કે સાસરીયાઓ પુત્રીને જોવા પણ આવેલ નહી હોવાનું જણાવતા જમાદાર કે બી મકવાણાએ પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સાયબર સેલની ધમકીથી ડરીને યુવકે દવાનો ઓવરડોઝ પીધો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ શ્રધ્ધા સોસાયટીમાં રહેતાં યુવાનેગઈકાલે રાત્રીના સમયે સેટેલાઇટ ચોકમાં આવેલ સ્વપ્નદીપ એપાર્ટમેન્ટમાં હતાં ત્યારે બીમારીની દવાનો ઓવરડોઝ પી જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને યુવકનું નિવેદન નોંધ્યું હતું. યુવકના સબંધીએ જણાવ્યા મુજબ, વિશાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમની પહેલી પત્નીનું ગર્ભવતી અવસ્થામાં મોત થયું હતું. જે બાદ છેલ્લા બે વર્ષથી તે અન્ય યુવતી સાથે મૈત્રીકરારથી બન્ને સાથે રહેતાં હતાં, દરમિયાન ગત શુક્રવારે વિશાલ કામ માટે મુંબઈ ગયો હતો, જ્યાંથી તેણે યુવતી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતાં, જેથી ઉશ્કેરાયેલા યુવતીના ભાઈએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી અને ધમકી આપતો હતો. દરમિયાન પોલીસે પૂછપરછ માટે બોલાવતાં લાગી આવતા પગલું ભર્યું હતું.