12 દિવસ પછી ઠંડી વધશે:ડિસેમ્બર-જાન્યુઆરીમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે, વરસાદથી ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે ઝાકળ-ધુમ્મસ વધુ પડશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • હિમવર્ષા અને ઉત્તર-પૂર્વના પવનોથી ઠંડી વધશે, સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો 17 ડિગ્રીથી નીચે પહોંચ્યો, મહત્તમ તાપમાન 37 ડિગ્રી કરતા વધારે

નવેમ્બર માસથી દિવસમાં ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. જોકે શિયાળાનો વિધિવત પ્રારંભ 15 નવેમ્બરથી શરૂ થશે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર ડિસેમ્બર માસના અંતથી ઠંડીનું જોર વધશે. જે જાન્યુઆરી મહિના સુધી યથાવત્ રહેશે. સામાન્ય રીતે આ દિવસોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જવાની સંભાવના છે. તેમજ આ વખતે વરસાદનું જોર વધારે રહેવાને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

જેથી શિયાળામાં ધુમ્મસ અને ઝાકળ વધુ પડશે. સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં થતી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી વધારે અનુભવાય છે. હાલમાં દિવસે ગરમી રહેવાથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. હાલમાં સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન હજુ 37 ડિગ્રી કરતા વધારે નોંધાઈ રહ્યું છે. જે સુરેન્દ્રનગર અને રાજકોટમાં જોવા મળે છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. જે મહુવામાં અને કેશોદમાં વધારે નોંધાઇ છે.

રાજસ્થાન પર સિસ્ટમ બનશે તો કમોસમી વરસાદ થવાની સંભાવના
ચોમાસાએ વિદાય લીધા બાદ પાછોતરો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર જો શિયાળાની સિઝનમાં રાજસ્થાન પર ઈન્ડિયુસ સાઇક્લોનિક સિસ્ટમ સર્જાશે તો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જોકે આ વરસાદ સાર્વત્રિક નહિ હોય. તેમજ તેનું જોર એક-બે દિવસ પૂરતું હોય છે.

લઘુતમ તાપમાન સૌથી ઊંચું ઓખામાં 24.60
ગુરુવારે લઘુતમ તાપમાન 16.9 ડિગ્રીથી લઇને 24.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન ઓખામાં હતું. જ્યારે અમરેલીમાં 18.1, ભાવનગરમાં 21, પોરબંદરમાં 19, વેરાવળમાં 22.9, દીવમાં 21.6, સુરેન્દ્રનગરમાં 21 અને રાજકોટમાં 20.5 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં પવનની ઝડપ 8થી 10 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

હવે શિયાળુ શાકભાજીની આવક શરૂ થશે
ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ હવે બજારમાં શિયાળુ શાકભાજી અને જણસીની પણ આવક શરૂ થઈ ગઈ છે. નવા શાકભાજીની આવક શરૂ થવાથી ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. 15 નવેમ્બર બાદ લીલા શાકભાજીની આવક વધતા અત્યારે જે શાકભાજી 50થી 80 રૂપિયાના કિલો લેખે મળે છે. તેનો ભાવ રૂ. 20થી 30 સુધી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...