ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. હાલ ગુજરાતના ગઢને જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે દાહોદમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ સીડીથી નીચે ઉતરતી વખતે સૂતરની આંટીને પાઇપ પર સરકાવી તેનું અપમાન કરતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ આજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું આગમન થયું હતું. તેમણે સુતરની આંટીને હાર સ્વરૂપે પહેરીને વધાવી હતી. ત્યારે ગુજરાતના રાજકારણમાં 'બિચારા બાપુ' ની સૂતરની આંટી વિવાદનું કેન્દ્ર બની છે.
કેજરીવાલે સૂતરની આંટીને હોશે હોશે વધાવી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવીને કર્યું હતું. જ્યાં CM કેજરીવાલે સૂતરની આંટીને હોશે હોશે વધાવી હતી.
રાહુલ ગાંધીની ભારે ટીકા થઈ
દાહોદ આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવાદમાં સપડાયા છે. દીનદયાળ ઓડિટોરીયમમાં આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી VIP ગેટની સીડીથી નીચે ઊતર્યા હતા. આ વખતે તેમના ડાબા હાથમાં એક સૂતરની આંટી જોવા મળી હતી. નીચે ઊતરતી વખતે તેમણે આ સૂતરની આંટી જમણા હાથમાં લઇ લીધી હતી. અહીં તેમણે હાથમાં રહેલી સૂતરની આંટી હળવેકથી નીચે સરકાવી દીધી હતી અને નમસ્કાર કહીને પોતાની ગાડીમાં સવાર થઇ ગયા હતા. જોતજોતાંમાં આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
બેવાર પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી ન પહેરી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના હોદ્દેદારોને મળ્યા હતા, અહીં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને સૂતરની આંટી પહેરાવવા પ્રયાસ કર્યો હતો. બે-બે વાર પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી પહેરી નહોતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતાં લખ્યું હતું કે, મહાત્મા ગાંધીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હકૂમત ચલાવી તેમના દીકરાને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે? એ પણ ગુજરાતમાં? રાહુલ ગાંધીના રેલિંગ પર સૂતરની આંટી છોડી મુકવાના વીડિયો પર લખતાં ભરત ડાંગરે જણાવ્યું હતું કે, સત્તા માટે ગાંધીજીની અટક ધારણ કરનારે બાપુની પ્રિય સૂતરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયાં પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલચુ કોંગ્રેસ માફી માગે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.