તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક:રાજકોટમાં કોરોનામાં રિકવરી રેટ 98% તો મ્યુકોરમાઇકોસિસમાં હજુ માંડ 4% પર પહોંચ્યો, લાંબી સારવાર કારણભૂત, રોજ 9થી 10 નવા દર્દી દાખલ

રાજકોટ22 દિવસ પહેલા
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસ રિકવરી રેટ ઓછો.
  • સિવિલના તબીબોએ અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 342 દર્દીના ઓપરેશન કર્યા

રાજકોટમાં કોરોનાના કેસો સતત ઘટતા જતા અને હોસ્પિટલમાં દાખલ થનારા કરતા ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધતી જતા કોરોનાનો રિકવરી રેટ આજે 98%ને પાર થયાનું મનપાએ જાહેર કર્યું છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના કેસો વધતા અને તેવા કેસોમાં 85% લોકોને કોરોના મટી ગયા પછી આ ભયાનક રોગ લાગુ પડતા તેનો રિકવરી રેટ માત્ર 4% રહ્યો છે. આ માટે લાંબી સારવાર કારણભૂત હોવાનું તબીબોનું અનુમાન છે. શહેરમાં રોજ 9થી 10 મ્યુકોરમાઇકોસિસના નવા દર્દી દાખલ થઇ રહ્યાં છે.

મ્યુકોરમાઇકોસિસના 15થી 20 દિવસમાં 700 જેટલા દર્દીઓ નોંધાયા
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 15થી 20 દિવસમાં 700 જેટલા દર્દીઓ નોંધાયા છે. જેમાં હાલ 471 દર્દી હોસ્પિટલમાં એડમીટ છે અને 184ને સારવાર અર્થે સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિવિલના તબીબોએ ભારે જહેમત ઉઠાવીને અત્યાર સુધીમાં 342 દર્દીઓના ઓપરેશન કર્યા છે. આ પૈકી 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના કેસ વધુ આવી રહ્યાં છે
રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલો સહિત મ્યુકોરમાઇકોસિસના હાલ 1000થી વધુ દર્દીઓ આ કોરોનાથી વધુ ઘાતક અને બિહામણી મહામારી સામે ઝઝુમી રહ્યા છે. સિવિલમાં આજે પણ 10 દર્દીઓ નવા દાખલ થયા હતા અને રોજ સરેરાશ 10થી 15 દર્દીને એડમીટ કરાય છે. જેમાં રાજકોટ શહેના 40 ટકા ઉપરાંત જિલ્લાના અને અન્ય જિલ્લાના કુલ 60 ટકા દર્દી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી અન્ય જિલ્લા કરતા કેસ વધુ આવી રહ્યાં છે.

રાજકોટ સિવિલમાં હાલ 471 દર્દી સારવાર હેઠળ.
રાજકોટ સિવિલમાં હાલ 471 દર્દી સારવાર હેઠળ.

રોજ 18થી 20 દર્દીની સર્જરી કરવામાં આવે છે
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.એસ.આર.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસના રોજ નવા 9થી 10 દર્દી એડમીટ થાય છે. તેમજ રોજ 18થી 20 દર્દીની સર્જરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 342 દર્દીની સર્જરી કરી દેવામાં આવી છે. સર્જરી માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ રાખવામાં આવી છે. હાલ 471 દર્દી સારવાર હેઠળ છે. તેમજ 184 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રનું સેન્ટર કહેવાય એટલે અન્ય જિલ્લામાંથી કેસો આવી રહ્યાં છે.

સિવિલ હોસપિટલના સુપરિટેન્ડેન્ટ ડો.એસ.આર. ત્રિવેદી.
સિવિલ હોસપિટલના સુપરિટેન્ડેન્ટ ડો.એસ.આર. ત્રિવેદી.

બીજી લહેર ગઈ, ત્રીજી આવે કે ન આવે અમે તૈયારઃ સિવિલ સુપરિટેન્ડેન્ટ
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની સ્થિતિએ બીજી લહેર પૂરી થઈ છે. ઓક્સિજનની કેપેસિટી વધારી દીધી છે અને મેન્ટનન્સ કરાઈ રહ્યું છે. બેડ, આઈસીયુની કેપેસિટી બધું જ વધારી રહ્યા છીએ. ત્રીજી લહેર માટે સજ્જ છીએ પણ આશા રાખીએ કે ન આવે.