થેલિસિમિયા એ રક્તકણોને લગતો રોગ છે તેને કારણે બાળકો અને તેનો પરિવાર ખૂબ જ પીડાય છે. સરકારી હોસ્પિટલ અને બ્લડ બેંક બંને સ્થળે થેલિસિમિયા માટે મફતમાં લોહી અપાય છે પણ સિવિલમાં જઈને બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરાય તો તેમાં રિએક્શનની શક્યતા વધી જાય છે તેને કારણે ખાનગીમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝન માટે વાલીઓ જાય છે પણ ત્યાં હંમેશા અછત જ હોય છે. સિવિલમાં રિએક્શન આવવા પાછળ કારણ એ છે કે ત્યાં RCC રક્ત અપાય છે જ્યારે થેલિસિમિયાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું ફિલ્ટર યુક્ત LR બ્લડ આપવાનું હોય છે.
થેલેસેમિક અને કેન્સરના દર્દીઓને લ્યૂકોરિડ્યૂસ બ્લડ અપાય છે જેમાં મશીન મારફત લોહીમાંથી ફક્ત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ LR લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે જેથી રિએક્શન ન આવે. પણ, રાજ્યમાં અમદાવાદ સિવાય એકપણ સરકારી હોસ્પિટલમાં આ સુવિધા નથી તેથી તેમને RCC એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે.
આ રિએક્શનમાં તાવ આવવાથી માંડી સતત ખંજવાળ માથામાં દુ:ખવું સહિતના લક્ષણો અને ક્યારેક સોજા ચડવાના બનાવ પણ બને છે. તેથી વાલીઓ ખાનગી બ્લડ બેંક કે જ્યાં LR લોહી હોય ત્યાં પહોંચે છે પણ ખાનગીમાં આ સ્ટોક ખૂબ જ ઓછો હોય છે આ કારણે નાછૂટકે સિવિલમાં જ તરફ વળવું પડે છે.
LR બ્લડ માટે બહુ મોટો ખર્ચ પણ થતો નથી તેના માટે મશીન વસાવવું પડે જેનો ખર્ચ 30 લાખ જેટલો થાય છે અને ત્યારબાદ એક દિવસમાં 50 બેગ LR બનાવી શકાય છે. જો મશીન ન હોય તો જ્યારે દર્દીને લોહી ચડતું હોય ત્યારે બ્લડ બેગની બાજુમાં જ ફિલ્ટર કિટ મુકાય છે જે માત્ર 350 રૂપિયાની હોય છે તે પણ લોહીને ફિલ્ટર કરી તેમાંથી સફેદ કણને નસમાં જતુ અટકાવી દે છે. સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદ સિવિલમાં જ LR રક્ત માટે ફિલ્ટર મશીન છે આ સિવાય ક્યાંય નથી.
LRને કારણે મને 20 વર્ષમાં બે જ વર્ષ રિએક્શન આવ્યું : ધાનાણી
થેલિસિમિયાગ્રસ્તો માટે ખૂબ જ સક્રિય રીતે સેવા કરતા અને પોતે પણ થેલિસિમિયાગ્રસ્ત છે એવા રવિ ધાનાણી જણાવે છે કે, ‘હું છેલ્લા 20 વર્ષથી LR બ્લડ ચડાવું છું વર્ષે 30થી 35 બોટલની જરૂર રહે છે અને આ સમયમાં મને માત્ર 2 જ વખત રિએક્શન આવ્યું છે. તેની સામે RCC બ્લડ ચડાવે તો 100માંથી 30 વખત રિએક્શન આવે છે. સિવિલમાં એવા પણ કિસ્સા મારી સામે છે જેમાં દર વખતે રિએક્શન આવે છે. આ અટકાવવા માટે 30 લાખનો ખર્ચ કરીને મશીન અથવા તો ફિલ્ટર કિટ પણ અપાય તો રાહત થઈ શકે છે. હાલ અમદાવાદમાં જ આ મશીન છે જ્યારે અન્ય રાજ્યોની સરકારો મશીન ન હોય ત્યાં ફિલ્ટરેશન કિટ આપી રહી છે.’
દરેક સિવિલ દર વર્ષે કરે છે માગણી
રાજકોટ, સુરત, બરોડાની સરકારી હોસ્પિટલ થેલેસેમિક બાળકો માટે દર વર્ષના બજેટ સમયે LR ફિલ્ટર મશીનની માંગ કરે છે પણ હજુ સુધી તે પૂરી થઈ નથી. ફિલ્ટર કિટ માટે ક્યારેક કોઇ પીડિયાટ્રિક વોર્ડમાં પ્રયત્ન કરે છે પણ સૌરાષ્ટ્રમાં હજુ સુધી તે ફળ્યું નથી. એક હોસ્પિટલમાં એક વખતનો માત્ર 30 લાખનો ખર્ચ પણ કરાતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.