રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પરના સંકલ્પ સીટીમાં બ્લોક નં- 3 માં રહેતા અને ગુંદાવાડીની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઈન્ચાર્જ મેટ્રન તરીકે ફરજ બજાવતા હેમલતાબેન રમેશભાઈ કનેરીયા (ઉ.વ.57)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના પગનું ઓપરેશન સફળ નહી થતા તેનાથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો.
પતિ નાની પુત્રીને વડનગર મુકવા ગયા હતા
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ હેમલતાબેનને સંતાનમાં બે પુત્રી છે. જેમાંથી મોટી પુત્રી પરિણિત છે અને 150 ફુટ રીંગ રોડ પર રહે છે. નાની પુત્રી વડનગરમાં મેડીકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પતિ રમેશભાઈ પીડીયુ નર્સિંગ કોલેજમાં ટ્યુટર હતા જેઓ વર્ષ 2020માં નિવૃત થયા હતા.રમેશભાઈ નાની પુત્રી વડનગરથી આવી હોવાથી ગઈકાલે તેને મુકવા વડનગર રવાના થયા બાદ પાછળથી ઘરે એકલા રહેલા હેમલતાબેને ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી દીધી હતી.
મંગલમ હોસ્પિ.ના ઓર્થોપેડીકને ઓપરેશન આવડતું જ નથી
બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા ઘરમાંથી હેમલતાબેને લખેલી એક નોટ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, મંગલમ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન વિમલ કોઠારીએ તેના પગનું ગઈ તા.19-03-2021ના રોજ ઓપરેશન કર્યું હતું. તેમણે ખોટું ઓપરેશન કર્યું હતું. આજે 13 મહિના થઈ ગયા છતાં તેના ગોઠણ હજુ પણ દુ:ખે છે. તેમને તે ઓપરેશન આવડતું જ ન હતું તો શા માટે કર્યું. બાકી મારે કોઈ દુઃખ નથી.
મારી મોટી બેબી અવનીને જીવનમાં દુઃખ છે
આ સાથે વધુમાં તેઓએ લખ્યું હતું કે, મારી મોટી બેબી અવનીને જીવનમાં દુઃખ છે. તેમને મારા પૈસા જે આવે તે કૃપા અને અવનીને આપશો. અવનીને દુઃખી નહી કરતા. એક વર્ષથી મારા ઘરવાળા મારી સેવા કરતા હતા. મારૂ પેન્શન આવે તે પણ અવનીને આપશો.ગાંધીગ્રામના ગૌતમનગરમાં મારી બેન રહે છે. નીચે તેના ફોન નંબર લખ્યા છે. મારા ઘરવાળા મારી નાની બેબીને વડનગર મુકવા ગયા છે. તેમનું નામ રમેશ છે. તેમના ફોન નંબર પણ લખ્યા છે. હું મારા દુ:ખના હિસાબે જાઉં છું. તેમાં કોઈનો વાંક નથી.
ત્રીજું ઓપરેશન કરાવવાનું વિચારતા હતા
ગાંધીગ્રામ પોલીસે આ નોટ કબ્જે કરી તપાસ આગળ હાથ ધરી છે. હેમલતાબેને ભરેલા પગલાથી તેમના પરીવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. આ મુદ્દે તેમના પતિ રમેશભાઈએ જણાવ્યું કે, હેમલતાબેને રાજકોટ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બીજી વખત ઓપરેશન કરાવ્યું હતું. તે વખતે ડોકટરે પાછા ચાલતા કરી દઈશ. તેવી ખાત્રી આપી હતી પરંતુ સારૂ થયું ન હતું. જેને કારણે હવે ત્રીજું ઓપરેશન કરાવવાનું વિચારતા હતા. પરંતુ તે પહેલા જ આ પગલું ભરી લીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.