ધોરાજીના ભોળાગામમાં ગામના મંદિરે 'અરજી પાછી ખેંચી લેજો' કહી 4 શખ્સોએ યુવક પર લાકડી અને પાઈપથી ઘાતકી હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. ફરીયાદી ગીરીરાજસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.39)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પિતરાઈ ભાઈ મહાવિરસિંહે બે દિવસ પહેલા લખુબધા કટારા વિરૂદ્ધમાં ગ્રામ પંચાયત અને પાટણવાવ પોલીસ મથકે અરજી કરેલ હતી જે બાદ પોલીસે લખુભાઈની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયેલ હતો.
છરીથી હુમલો કરતાં હાથમાં ઇજા થઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાબતે હું ભોળા ગામના બસ સ્ટેન્ડે બેસેલ હતો ત્યારે લખુભાઈનો પુત્ર સાગર ત્યાં ઘસી આવ્યો હતો. અને આપણે અરજી બાબતે સમાધાન કરવું છે જે માટે તે ગામના મંદિર લઈ ગયો હતાં જયાં મે મારા પિતરાઈ ભાઈને બોલાવ્યો હતો.બાદમાં આરોપીએ તેમની પાસે રહેલ છરી બતાવી ને કહેલ કે તમે અરજી પાછી ખેંચી લેજો નહિતર આ કોઈની સગી નહી થાય તેમ કહી મારા પિતરાઈ ભાઈ પર છરીથી હુમલો કરતાં હાથમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ દાખલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમજ સામાપક્ષે સાગર લખુ કટારા એ પણ ભોળા ગામના ઉપસરપંચ સહીત ચાર શખ્સો સામે લાકડી અને ધોકાથી ફટકારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાની એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.જે અંગેની સામસામી ફરીયાદ પરથી પાટણવાવ પોલીસ મથકના પીએસઆઈ જી.જે. ઝાલા અને ટીમે મારામારી ગુનામાં વધુ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.