ભીચરી ગામે રહેતા 91 જેટલા અનુસૂચિત જાતિના પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદન આપી જમીન માપણીની કાર્યવાહી કરવા માંગ કરી છે અન્યથા આત્મવિલોપન સુધીના પગલાં ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જોકે જમીન માપણી વખતે એકપણ અરજદાર હાજર રહ્યા ન હતા. આવેદનમાં જણાવ્યું છે કે, ભીચરી ગામે 91 પરિવારને જિલ્લા કલેક્ટરે જમીન ફાળવવાના સંદર્ભે જમીન દફ્તર કચેરીને માપણી કરવાનો આદેશ આપ્યો હતો.
જેના ભાગરૂપે 16 તારીખ ફાળવવામાં આવી હતી અને તમામને સ્થળ પર હાજર રહેવા જણાવ્યું હતું પણ ભૂમાફિયાઓનો ડર સતાવતો હોવાથી પોલીસની હાજરીમાં માપણી કરાવવા માટે 9 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને તે સંદર્ભે 14 તારીખે પોલીસ સ્થળ તપાસ કરવા પણ આવી હતી આમ છતાં તેઓને ડર લાગતો હોવાથી 16મીએ સવારે જ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા.
પરિવારોએ 16મીએ જ જમીન માપણી પોલીસની હાજરીમાં કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો જમીન નહિ સોંપાય તો આત્મવિલોપન કરવા સુધીના પગલાં લેતા પણ ખચકાશે નહિ તેમ જણાવ્યું હતું. જોકે જ્યારે જમીન માપણી માટે સર્વેયર સ્થળ પર પહોંચ્યા ત્યારે એક પણ અરજદાર હાજર રહ્યા ન હતા તેથી સર્વેયર માપણી વગર જ પરત ફર્યા હતા તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.